
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી
દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરે છે. દરમિયાન અત્યારે પાકિસ્તાનની વિવિધ જેલમાં 400થી વધારે ભારતીય માછીમારો બંધ છે. રાજ્યસભામાં આ મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવીને ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી કરી હતી. તેમજ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પાકિસ્તાની નેવી ગમે ત્યારે ભારતની સીમામાં ઘૂસી આવીને માછીમારોને ઉપાડી જાય છે તેથી ભારતીય કોસ્ટગાર્ડે પણ પેટ્રોલિંગ વધારવુ જોઈએ. કરાંચીની મધ્યસ્થ જેલમાં 400થી વધુ ભારતીય માછીમારો કેદ છે અને પાકિસ્તાને તેમની 1100થી વધુ બોટ પણ કબજે લઈ લીધી છે. સરકારે આ તમામને છોડાવવા માટે તાકિદે પગલાં ઉઠાવવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કેગના રિપોર્ટ અનુસાર 270 ભારતીય માછીમારો અને 54 નાગરિકો પાકિસ્તાનની જેલમાં બંધ છે જે પૈકીના 100 જેટલા માછીમારોએ પોતાની સજા પણ પૂરી કરી લીધી હોવા છતાં તેમને છોડવામાં આવી રહ્યા નથી.