
ગુજરાતમાં જુની પેશન યોજના ફરી દાખલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ આંદોલન કરશે
અમદાવાદઃ ગુજરાતમાં નવી પેન્શન યોજનાથી ભવિષ્યમાં કર્મચારીઓને લાભ નહીં પણ નુકશાન થવાનું છે. એવું લાગતા હવે રાજ્ય સરકારના કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનમાં તો કોંગ્રેસની સરકારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના શરૂ કરી દેતા ગુજરાતમાં પણ આ માગણી બુલંદ બની છે. રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ તો સરકારમાં રજુઆત પણ કરી દીધી છે. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પણ કર્મચારીઓની માગણીમાં સૂર પુરાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. જૂની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે અને તેથી પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. ગુજરાત કરતાં રાજસ્થાન નાણાંકીય રીતે ઓછું સમૃદ્ધ હોવા છતાં, રાજસ્થાન સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. ત્યારે તા. 28 માર્ચ,2022 સુધી આ બાબતે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી આંદોલનાત્મક કાર્યક્રમના તબક્કા નક્કી કરાશે. જેમાં તાલુકાના માન્ય આઠ સંગઠન દ્વારા તાલુકા સ્તરે ધરણાં, જિલ્લા સ્તરે કલેકટરને આવેદનપત્ર આપવા રેલી, મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા તથા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરાટ શક્તિ પ્રદર્શન જેવા આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કઢાશે.
રાજ્ય સરકાર આ બજેટ સત્રમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની ઘોષણા કરે. આ માટે મહાસંઘ પુનઃ સ્મરણ પત્ર લખી, કર્મચારીઓના નિવૃત્ત જીવનને સુરક્ષિત બનાવે તે અંગે મુખ્યમંત્રી અને અન્યને અનુરોધ કરાયો છે.