
રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ
2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી.
કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય
કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો કર્યો છે કે આ કોંગ્રેસની નૈતિક હાર છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવશે. કેશવ મૌર્યએ X પર લખ્યું, ‘શ્રી રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી ન લડવી એ કોંગ્રેસની નૈતિક હાર અને ભાજપની જીત છે’ આ સાથે તેમણે હેશટેગમાં લખ્યું – #Phir_Ekbar_Modi_Sarkar.
રાયબરેલીમાં રોડ શો
કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી આ વખતે તેમની માતા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રિયંકા ગાંધી આ વખતે ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધી આજે રાયબરેલીમાં ઉમેદવારી પત્ર ભરશે. આ માટે કોંગ્રેસ દ્વારા પણ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. કોંગ્રેસ આજે રાયબરેલીમાં એક મોટો રોડ શો યોજશે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો ભાગ લે તેવી અપેક્ષા છે.
પ્રિયંકા ગાંધી પણ રહેશે હાજર
રાહુલ ગાંધીના નામાંકન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર રહેશે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પ્રદેશ અધ્યક્ષ અજય રાય પણ હાજર રહેશે. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચે તે પહેલા જ ત્યાં તેમના વિશાળ હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના નામની જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાયબરેલીથી ભાજપના ઉમેદવાર છે દિનેશ પ્રતાપ સિંહ
ભારતીય જનતા પાર્ટીએ રાયબરેલી બેઠક પરથી દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપી છે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીમાં મેદાનમાં છે. રાહુલ ગાંધીના રાયબરેલીમાં આગમનથી આ લડાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે, કોંગ્રેસ પાર્ટી હજુ પણ રાયબરેલીમાં ઘણી મજબૂત છે. પીએમ મોદીની લહેરમાં પણ આ સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.