1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો
સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો

સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો

0
Social Share

સુરતઃ શાળાઓમાં ભણતા કેટલેક સગીર વયના બાળકો પણ ટીવી અને સોશ્યલ મીડિયાને લીધે ગુનાઈત પ્રવૃતી તરફ ધકેલાઈ જતા હોય છે. શહેરમાં તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને લઈને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોલીસે પણ ગુનાખોરીને લગામ કસવા માટે એકશન મૂડમાં આવી ગઈ છે. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ખટોદરા પોલીસ  ટીમના સર્વલન્સ સ્ટાફના પી.એસ.આઈ આર.એસ. પટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, ચેતન ભાઈ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે. પીએસઆઇ આર.એસ પટેલે ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો. જેમની સ્કૂલ બેગમાંથી ચોપડા ને બદલે ઘાતકી હથિયાર એટલે કે, દેશી તમાચો અને છરા મળી આવ્યા હતા. એક આરોપી 16 વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે.

આરોપીની વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ (ઉધના) પાસેથી લાવ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.વાલીઓને પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ શું કરી રહ્યા છે, કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે, તેમજ કોની સાથે રહે છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ (રહે. એસ.એમ.સી આવસ, ખટોદરા) અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code