મુંબઈ, 17 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) મહાયુતિ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના શહેરી વિસ્તારોના સૌથી સફળ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે. આ જીતનો જશ્ન મુંબઈના માર્ગો પર જોવા મળી રહ્યો છે, જ્યાં ફડણવીસને ‘મહારાષ્ટ્રના ધુરંધર’ તરીકે ઓળખાવતા મોટા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે.
- મુંબઈના રસ્તાઓ કેસરીયા રંગે રંગાયા
શનિવાર સવારથી જ મુંબઈના માલાડ, કાંદિવલી અને અન્ય પ્રમુખ વિસ્તારોમાં દેવેન્દ્ર ફડણવીસના વિશાળ પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં તેમની રાજકીય કુશળતા અને નેતૃત્વ ક્ષમતાના વખાણ કરવામાં આવ્યા છે. મુંબઈ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તજિંદર સિંહ તિવાણા સહિત અનેક વિજેતા ઉમેદવારોએ આ ‘ધુરંધર‘ પોસ્ટરો લગાવીને વિજયનો ઉત્સવ મનાવ્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ ફડણવીસને ‘મહારાષ્ટ્રની બ્રાન્ડ’ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે જનતા પાસે વિકાસના મુદ્દાઓ લઈને ગયા હતા. ‘વિકસિત મુંબઈ, વિકસિત મહારાષ્ટ્ર‘ના સંકલ્પ પર જનતાએ મહોર લગાવી છે અને આ સમગ્ર પ્રચારનું નેતૃત્વ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું.”
ચૂંટણીમાં ભવ્ય સફળતા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સીધા નાગપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ધરમપેઠ સ્થિત નિવાસસ્થાને પોતાની માતાના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ફોટા શેર કરતા તેમણે લખ્યું કે, “મહાનગરપાલિકા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત બાદ માતાના આશીર્વાદ મેળવ્યા હતા.”
મુંબઈમાં પણ તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્ની અમૃતા ફડણવીસ અને પુત્રી દિવિજાએ તેમને વિજય તિલક લગાવી વધાવ્યા હતા. આ પ્રસંગે મંત્રી આશિષ શેલાર અને મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમ પણ હાજર રહ્યા હતા.


