1. Home
  2. revoinews
  3. સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન
સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા ‘પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન

0
Social Share

[અલકેશ પટેલ] સુરત, 2 જાન્યુઆરી, 2026 – Public Leadership Camp PLC સુરતસ્થિત દિશા ફાઉન્ડેશન દ્વારા 2 થી 4 જાન્યુઆરી દરમિયાન પબ્લિક લીડરશિપ કેમ્પ PLC 4.0’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસનો આ કેમ્પ મિલેનિયમ સ્કૂલ, સુરત ખાતે આજથી, 2 જાન્યુઆરીથી શરૂ થયો છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, નાગરિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત કરવાનો છે.

કેમ્પમાં દેશના વરિષ્ઠ નીતિ-નિર્માતાઓ, વહીવટી અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણી નેતાઓ અને વિષય નિષ્ણાતો યુવાનો સાથે સંવાદ કરશે. કાર્યક્રમમાં ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ, આત્મનિર્ભર ભારત, જીઓ-પોલિટિક્સ, MSME, નાણાકીય સેવાઓ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વૈશ્વિક આર્થિક પ્રવાહો જેવા વિષયો પર વિશેષ સત્રો આયોજિત કરવામાં આવશે.

શું છે આ પ્રકલ્પ અને કેવી રીતે થાય છે પસંદગી?

આ કેમ્પ અંગે રિવોઈ સાથે વાત કરતા દિશા ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. રોહિત તિવારીએ જણાવ્યું કે, કેમ્પના લગભગ એક મહિના પહેલાથી પબ્લિક લીડરશિપમાં રસ ધરાવતા યુવાનોની પસંદગી પ્રક્રિયા શરૂ થાય છે. આ માટે થીમ પ્રમાણે ચાર તબક્કામાં પસંદગી પ્રક્રિયા ચાલે છે. છેલ્લા ચોથા તબક્કામાં સઘન ઈન્ટર્વ્યુ બાદ 100 યુવાનોની પસંદગી કરવામાં આવે છે જેઓ પબ્લિક લીડરશિપ કેમ્પ – પીએલસીમાં ભાગ લેવા માટે લાયક ઠરે છે.

આ સમગ્ર પ્રકલ્પના ઉદ્દેશ અંગે પૂછવામાં આવતા ડૉ. તિવારીએ કહ્યું કે, દિશા ફાઉન્ડેશનનો ઉદ્દેશ યુવાનોની વૈચારિક પ્રક્રિયામાં પરિવર્તન લાવીને તેમને ભારતના ભવિષ્યના નિર્માણ માટે સજ્જ અને તૈયાર કરવાનો છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે માહિતી આપી કે, કેમ્પ યોજાઈ ગયા બાદ લગભગ 30 ટકા યુવાનો ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને આ હેતુને આગળ ધપાવે છે.

દિશા ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2011માં સમાજસેવી દિનેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના અગાઉના સંસ્કરણો PLC 1.0, 2.0 અને 3.0 ને દેશભરના યુવાનો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ જ ક્રમમાં PLC 4.0 ને એક વ્યાપક અને વિચારપ્રેરક મંચ તરીકે વિકસાવવામાં આવ્યો છે.

PLC 4.0ના  મુખ્ય વક્તાઓ અને મહેમાનો

કાર્યક્રમમાં માર્ગદર્શન આપનારા અગ્રણી વક્તાઓમાં સામેલ છે:

  • પૂર્વ ઈસરો (ISRO) અધ્યક્ષ શ્રી એસ. સોમનાથ
  • સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS)
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર દોહરે
  • RBI ડાયરેક્ટર શ્રી સતીશ મરાઠે
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલકૃષ્ણ અગ્રવાલ
  • AI ફ્યુચરિસ્ટ પ્રો. યોગી કોછર
  • ઝેપ્ટો (Zepto) ના ચીફ પોલિસી ઓફિસર શ્રી રચિત રંજન
  • મેક્સ હેલ્થકેરના સંચાલક કેશવ ગુપ્તા
  • એનજે ફાઇનાન્સના સહ-સ્થાપક શ્રી નીરજ ચોકસી
  • ઈન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી રામ માધવ અને ભૂ-રાજકીય વિશ્લેષક ડો. અંકિત શાહ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો.

કેમ્પના સમાપન સત્રમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુવાનોને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, દિશા ફાઉન્ડેશનના અગાઉના કાર્યક્રમોમાં ડો. એસ. જયશંકર, ડો. મનસુખ માંડવિયા અને મેજર જનરલ જી.ડી. બક્ષી જેવા રાષ્ટ્રીય નેતાઓએ પણ યુવાનોનું માર્ગદર્શન કર્યું છે.

આ પણ વાંચોઃ સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code