
નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન ચેનલોને લઈને નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશનો ઉદેશ્ય ભારતીય ભાષાઓનો પ્રચાર અને પ્રસાર છે. સરકારના નિર્ણય પ્રમાણે હવે તમામ ચેનલોના શૉઝના ટાઈટલ ભારતીય ભાષાઓમાં પણ દર્શાવવા ફરજિયાત હશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટેલિવિઝન ચેનલો સાથે જોડાયેલા આદેશને જાહેર કરતા જણાવ્યુ છે કે ટેલિવિઝન ચેનલ કોઈપણ સીરિયલ દર્શાવે, તે સીરિયલની શરૂઆત અને અંતમાં ઘણીવાર શૉઝના ટાઈટલ માત્ર ઈંગ્લિશમાં જોવા મળે છે. ભારતીય ભાષાઓને પ્રમોટ કરવા માટે તમામ ટીવી ચેનલોને એક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે કે તેઓ આ શૉઝના ટાઈટલને ભારતીય ભાષાઓમાં જ દર્શાવે.
જાવડેકરે કહ્યુ છે કે ભારતીય ભાષાઓની સાથે જો ટેલિવિઝન ચેનલો ઈંગ્લિશમાં પણ ક્રેડિટ આપવા ચાહે છે, તો તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે. અમે કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ લગાવી રહ્યા નથી. અમે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે આવો આદેશ સિનેમા માટે પણ લાગુ કરવા જઈ રહ્યા છીએ.