
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના પ્રાધ્યપકોને બઢતી, અને પગાર ધોરણના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમા વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
ટેકનિકલ શિક્ષણ વિભાગ હસ્તકની રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી સંસ્થાઓમાં અલગ અલગ વિદ્યાશાખામાં સહ પ્રાધ્યાપક (વર્ગ-1)ની આશરે 200 ઉપરાંત જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. કેટલીક વિદ્યાશાખામાં તો એક પણ સહ પ્રાધ્યાપક (વર્ગ-1) ની જગ્યા ભરાયેલ નથી. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમાં વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. છેલ્લે સપ્ટેમ્બર 2012માં સરકાર દ્વારા સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1)ની બઢતી પ્રક્રિયા કરવામાં આવી હતી. વર્ષ 2004 તથા તે પહેલા ટેકનિકલ શિક્ષણ વિભાગમાં જોડાયેલા સહાયક પ્રાધ્યાપક (વર્ગ- 2)ને સને 1998ના RR (ભરતી અને બઢતી નિયમો) મુજબ બઢતી આપવામાં આવેલ હતી.પરંતુ ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ અગમ્ય કારણસર સપ્ટેમ્બર 2012થી એપ્રિલ 2015 દરમિયાન બઢતીની પ્રકિયા હાથ ધરવામાં આવી નહતી. વર્ષ 2004 તથા તે પહેલા ટેકનિકલ શિક્ષણ વિભાગમાં જોડાયેલા સહાયક પ્રાધ્યાપકોને પણ બઢતી નિયમો ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવતા આવા અધ્યાપકોને હજુ સુધી બઢતી ન મળતાં પ્રાધ્યાપકોમાં અન્યાય થયાની લાગણી પ્રવર્તી રહી છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં એમના હક્ક માટે દાવો કરેલ છે, જેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે.
રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-1ની મંજૂર થયેલી કુલ મહેકમ 534માંથી વર્ગ-1ની 308 જેટલી જગ્યાઓ ખાલી છે. તો સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) ની બઢતી આપી વર્ગ-1ની ખાલી 308 જગ્યાઓમાંથી આશરે 219 જેટલી જગ્યાઓ ભરી શકાય તેમ છે. જો સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1)ની બઢતી આપવામાં આવે તો સહાયક પ્રાધ્યાપકની જગ્યા ખાલી થાય તેમાં GPSC દ્વારા પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂક આપી ભરી શકાય તેમ છે.