
ગાંધીનગરઃ વિશ્વયોગ દિન નિમિત્તે રાજ્યભરમાં યોદના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગાંધીનગર જિલ્લામાં નવમાં વિશ્વ યોગ દિવસની આઠ આઇકોનિક સ્થળ સહિત 1432 સ્થળોએ ઉજવણી કરાઈ હતી. જેમાં બે લાખથી વધુ નાગરિકો યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે માણસા કોલેજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ યોગ કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવી હતી.
યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવતી જાય છે. વર્તમાન સમયમાં લોકો જીવનશૈલીના લીધે ડાયાબિટીસ, હાઈ બી.પી., શ્વાસ, એલર્જી, હૃદયરોગ જેવા શારીરિક રોગો તેમજ હતાશા અને તણાવ જેવા માનસિક રોગોનો વધારે ભોગ બની રહ્યા છે. ત્યારે તંદુરસ્ત જીવન માટે યોગ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આઠ આઇકોનિક સ્થળ સાથે કુલ- 1432 સ્થળો ઉપર વિશ્વ યોગ દિવસની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં કુલ 2 લાખ 51 હજાર લોકોએ ભાગ લીધો હતો . જિલ્લાના 8 આઇકોનિક સ્થળો જેવા કે, મહુડી, ગીફટસીટી, આંબાપુર વાવ, રૂપાલ વરદાયીની માતા મંદિર, કંથારપુર વડ, અડાલજની વાવ, ત્રિમંદિર (અડાલજ) જેવા સ્થળો પર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 1375 લોકો ભાગ લીધો હતો. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માણસા કોલેજ ખાતે 2 હજાર લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સિવાય આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ પંચાયત, CHC,PHC કેન્દ્રો, જિલ્લામાં આવેલ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ તથા અન્ય વિભાગ મળી કુલ 1432 જેટલા સ્થળોએ કાર્યક્રમો નું સુચારુ આયોજન થયું હતું. જેમા કુલ અંદાજે 2 લાખ 54 હજાર 416 લોકો ભાગ લઈ યોગ દિનની ઉજવણી કરી હતી. ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.વિધાનસભા ખાતે નવમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, કાંતિ અમૃતીયા, ઉમેશભાઈ મકવાણા, વિધાનસભાના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.