
અમદાવાદઃ રાજ્યના મેગાસિટી અમદાવાદમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક અંદાજ અનુસાર શહેરમાં હાલ 2.10 લાખ જેટલા શ્વાન છે એટલું જ નહીં દર મહિને અંદાજે પાંચ હજાર લોકોને કરતા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે શ્વાનોની ખસીકરણ પાછળ લગભગ 2.77 કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવે છે, તેમ છતા પરિણામ શૂન્ય હોય તેમ રખડતા શ્વાનનો ત્રાસ યથાવત રહ્યો છે, જેથી મનપાની કામગીરી સામે પણ લોકોમાં નારાજગી ફેલાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30360 રખડતા શ્વાનના ખસીકરણ પાછળ 2.77 કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે. શહેરમાં રખડતા શ્વાનને પકડી તેના ખસીકરણની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી કરાવવામાં આવી રહી છે. રખડતા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવા માટે એજન્સીને એક કૂતરા દીઠ રૂ. 930 ચૂકવવામાં આવી રહ્યા છે. એક સંસ્થા દ્વારા શહેરમાં રખડતા શ્વાન અંગે કરવામાં આવેલા સર્વેમાં રખડતા શ્વાનોની સંખ્યા 2.19 લાખ હોવાનું જાણવા મળ્યુ હતું.
મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, શહેરમાં દર મહિને રખડતા કૂતરાં કરડવાના પાંચ હજાર બનાવ બને છે. બીજી તરફ જે સંસ્થાઓને રખડતા શ્વાન પકડીને તેનું ખસીકરણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. તે શ્વાનને ખસીકરણ કર્યા બાદ ફરી એના એ જ વિસ્તારમાં છોડી દેતી હોવાની પણ ફરિયાદો છે. મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં શ્વાન કરડયા બાદ વ્યકિતને હડકવા ના થાય એ માટે ઈન્જેકશન આપવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન પકડી તેના ખસીકરણ માટે ચાર અલગ અલગ સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવેલી છે. આ સંસ્થાઓને સંસ્થા દીઠ દર મહિને 2700 કૂતરાં પકડી તેનું ખસીકરણ કરવાની કામગીરી આપવામાં આવી છે. જે એજન્સી તેને આપવામાં આવેલા ટારગેટ મુજબ શ્વાન પકડી તેનું ખસીકરણ કરતી ના હોય એ એજન્સી કે સંસ્થાને ટેન્ડરમાં મુકવામાં આવેલી શરત મુજબ પેનલ્ટી કરવામાં આવતી હોય છે. તેમ છતા શહેરમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થવાની સાથે તેમનો ત્રાસ પણ વધ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાં પણ વધારો થયો છે.