
સુરત શહેરમાં હવે 10 રોબર્ટ મશીનથી થશે ડ્રેનેજની સફાઈ
- મનપાએ કરોડોના ખર્ચે 8 મશીન વસાવ્યાં હતા
- રાજ્ય સરકારે વધુ બે મશીનની કરી ફાળવણી
- સફાઈ કામદારોને મળી મોટી રાહત
અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજ લાઈન અને ખાળકુવા સાફ કરવા ઉતરેલા શ્રમજીવીઓના મોતની સામે આવે છે. જો કે, સુરતમાં હવે સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજની સફાઈ નહીં કરવી પડે. સુરતમાં રોબર્ટ મશીનની મદદથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. મનપાએ કરોડોના ખર્ચે આઠ મશીન વસાવ્યાં હતા. દરમિયાન સરકારે વધુ બે રોબર્ટની ફાળવણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબર્ટ મશીન છે. આ રોબર્ટ મશીન ડ્રેનેજમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે. સુરતના જૂના વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે.
હાલ શહેરમાં અલગ-અલગ મશીનથી ડ્રેનેજની સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેનહોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. હવે તેની સફાઈ માટે રોબર્ટ મશીનથી સફાઈ ચાલુ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ 8 રોબર્ટ મશીન રૂપિયા 14.75 કરોડનાં ખર્ચે વસાવ્યાં હતા. હવે રાજ્ય સરકાર દ્વારા વધુ બે મશીનો અપાયા છે. એટલે કે હવે શહેરમાં કુલ 10 રોબર્ટ મશીન છે જેનાથી ડ્રેનેજની સફાઇ કરવામાં આવશે.