
DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો ચીન મોકલાવવાનો હોવાનું મનાઈ રહ્યું છે.
DRIના અધિકારીનું કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓને શંકા ના જાય તે માટે આરોપીઓ રક્ત ચંદનને થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ રસ્તેથી લાવ્યા હતા અને કન્ટેનરમાં સંતાડ્યું હતું. આ રક્ત ચંદનની ચીનમાં માંગ વધી છે, શંકા છે કે દક્ષિણ ભારતમાંથી લાવાયેલું આ રક્ત ચંદન ચીન એક્સપોર્ટ કરવાનું હશે. આ રક્તચંદનનો જથ્થો ક્યાં મોકલવાનો હતો તેની પણ DRI દ્વારા તપાસ ચાલી રહી છે.
કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપરથી ડી.આર.આઈ. એ 9.36 કરોડનું લાલ ચંદનજપ્ત કર્યું હતું. જેમાં ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કન્સાઈનમેન્ટ લાવવામાં આવ્યું હતું. તેમજ 11.8 મેટ્રિક ટન જેટલું આ રક્ત ચંદન મલેશિયા મોકલવાનું હતું. આ પૂર્વે પણ 23 ફેબ્રુઆરી 2022 ના રોજ પણ ડી.આર.આઈ. એ મુન્દ્રા પોર્ટ ઉપરથી જ 5.4 મેટ્રિક ટન રક્ત ચંદન જપ્ત કર્યું હતું. રક્તચંદનની સમગ્ર એશિયામાં દવા તેમજ અન્ય આશયથી માંગ હોય છે. જ્યારે ભારતમાંથી લાલ ચંદનની આયાત પર પ્રતિબંધિત છે. ડી.આર.આઈ. હજી આ મામલે આગળની તપાસ કરી રહી છે.