1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સાબરમતીના કન્ટેનર ડેપોમાંથી DRIએ કરોડોનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન પકડી પાડ્યું
અમદાવાદના સાબરમતીના કન્ટેનર ડેપોમાંથી DRIએ કરોડોનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન પકડી પાડ્યું

અમદાવાદના સાબરમતીના કન્ટેનર ડેપોમાંથી DRIએ કરોડોનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન પકડી પાડ્યું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દેશના સૌથી મોટા ગણાતા બે બંદરો પર કરોડો રૂપિયાની આયાત- નિકાસનો કારોબાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. દેશની સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયા પર બાજ નજર રાખી રહી છે. ત્યારે હવે લાલ ચંદન યાને રક્ત ચંદનની દાણચોરી માટે પણ ગુજરાત હબ બનતું જાય છે. વિદેશમાં રક્ત ચંદનની સારી માગ અને ઊંચા ભાવ મળતા હોવાથી દક્ષિણ ભારતમાંથી રક્ત ચંદનના લાકડાં કન્ટેઈનરમાં છૂપાવીને ગેરકાયદે વિદેશ મોકલવાનો કારોબોર ચાલતો હોય છે. ત્યારે ડીઆરઆઈએ અમદાવાદના સાબરમતીના કન્ટેઈનર ડેપોમાંથી 14.63 મેટ્રિક ટન રક્ત ચંદનના લાકડાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત 11, 70 કરોડ અંદાજવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ સાબરમતી કન્ટેનર ડેપોમાંથી 11.70 કરોડની કિંમતનો 14.63 મેટ્રિક ટન રક્તચંદનનો જથ્થો પકડી પાડ્યો છે. આ રક્તચંદન UAEના શારજાહ મોકલવાનું હતું. આ રક્તચંદન નિકાસ થનારા કન્સાઇનમેન્ટમાં છુપાવવામાં આવ્યું હતું DRIના અધિકારીઓએ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય માલસામાનને બદલે રક્તચંદન હોવાનો ખુલાસો થયો હતો. આ રક્તચંદનના કુલ 840 લાકડા મળી આવ્યા હતા. જેનું કુલ વજન 14.63 મેટ્રિક ટન છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, DRIએ રક્ત ચંદનનો જથ્થો પકડી પાડ્યા બાદ લાકડાં રક્ત ચંદનના જ છે, કે કેમ?, તે માટે ફોરેસ્ટ વિભાગની મદદ માગી હતી. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કન્ફર્મ કર્યું હતું કે, પકડાયેલો જથ્થો રક્તચંદન છે. જેની નિકાસ પર પ્રતિબંધ છે. જેને પગલે કસ્ટમ્સ એક્ટ હેઠળ રક્તચંદનના જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. આ અંગે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22 અને 2020-21માં, સમગ્ર દેશમાં DRIએ અનુક્રમે 95 અને 96 મેટ્રિક ટન રક્તચંદન ઝડપ્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં રૂપિયા 150 કરોડ ગણાય છે. માર્ચ-2022માં DRIએ CFS, ક્રિષ્નાપટ્ટનમમાં એક કન્ટેનરમાંથી 12.20 MT રક્તચંદન જપ્ત કર્યું હતું જે રેતી/સિમેન્ટ ચિપ્સ/કાંકરી અને પરચુરણ ઘરગથ્થુ વસ્તુઓના કવર કાર્ગો સાથે મલેશિયા મોકલવામાં આવી રહ્યું હતું. તે જ મહિનામાં, મુન્દ્રા બંદર પર 11.7 મેટ્રિક ટન રક્તચંદન જપ્ત કરવામાં આવ્યું હતું. આ રક્તચંદન વનસ્પતિ-પ્રજાતિ છે, જે આંધ્ર પ્રદેશના પૂર્વ ઘાટ પ્રદેશના ગાઢ જંગલો થાય છે.  અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની રેડ લિસ્ટ હેઠળ આવે છે. તેની સમૃદ્ધ રંગછટા અને ઉપચારાત્મક ગુણધર્મો સૌંદર્ય પ્રસાધનો, ઔષધિય ઉત્પાદનો અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફર્નિચર/વુડક્રાફ્ટમાં ઉપયોગ માટે સમગ્ર એશિયામાં, ખાસ કરીને ચીનમાં તેની ઊંચી માંગ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code