
દિલ્હીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ, કરોડોનું હેરોઈન ઝડપાયું
નવી દિલ્હીઃ પોલીસ અને કેંન્દ્રીય એજન્સીઓએ મળીને એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને 130 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીની તો એનડીપીએસ કાયદા હેઠળ અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. આ ગેંગ લાંબા સમયથી દિલ્હી-એનસીઆરમાં સક્રિય હતી અને વિદેશી હેરોઇન ભારતમાં ટ્રાંસપોર્ટ કરાવતી હતી. રૂ. 130 કરોડનું હેરોઈન ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. તેમજ સમર્ગ પ્રકરણને ગંભીરતાથી લઈને ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાંથી કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. વિદેશથી આવેલુ આ હેરોઇન બાદમાં પોતાના સિન્ડિકેટ દ્વારા જુદા જુદા રાજ્યોમાં ઘુસાડવામાં આવતું હતું. જોકે એજન્સીઓએ આ ગેંગને અંતે પકડી લીધી હતી. અને તેની પાસેથી 21.400 કિલો હેરોઇન જપ્ત પણ કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી પરવેજ આલમ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. જેને ડ્રગ્સ ગેંગમાં ડોક્ટર તરીકે ઓળખવામાં આવતો હતો. લાંબા સમયથી તેની જ આગેવાનીમાં ડ્રગ્સ સિંડિકેટ સક્રિય થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ પુરા દેશમાં પોતાની સિન્ડિકેટ મજબૂત કરવાની તૈયારીમાં હતી. દિલ્હી-એનસીઆર ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ તેનો કાળો ધંધો ચાલતો હતો. આ ગેંગને ઝડપી લીધા બાદ હવે તેના સિન્ડિકેટ મેમ્બરોની પણ શોધખોળ ચાલી રહી છે. જે ગેંગ ઝડપાઇ છે તેમાં પરવેઝ આલમ, નસીમ બાર્કેઝી, શામી કુમાર અને રજત ગુપ્તાનો સમાવેશ થાય છે. નસીમ અફઘાનિસ્તાનનો રહેવાસી છે.