
અમદાવાદઃ દેવભૂમિ દ્રારકામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં સલાયાના બે ભાઈઓની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમની પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્ર મોકલવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આમ સમગ્ર પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની કવાયત તેજ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામખંભાળિયામાંથી મહારાષ્ટ્રના સહજાદ ધોસી નામના શખ્સને પોલીસે ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં વહાણવટનો વ્યવસાય કરતા સલીમ કારા અને અલી કારાની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે સલાયામાં તેમના નિવાસસ્થાન અને વ્યવસાયના ઘરે તપાસ કરતા ડ્રગ્સના 47 જેટલા પેકેટ મળી આવ્યાં હતા. જેનું વજન કરતા 46 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આમ પોલીસે આરોપીઓ પાસેથી લગભગ 63 કિલો જેટલુ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સલીમ અને અલી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હતા. બંને સામે બનાવટી ચલણી નોટોના કેસ નોંધાયેલા છે. ડ્રગ્સનો જથ્થો સલાયાથી મહારાષ્ટ્ર પોહચે તે પહેલા દ્રારકા પોલીસને તેને ઝડપી લીધું હતું. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 મહિનામાં 24 હજાર 800 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે બાદ 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.