1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 47 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત
આંધ્રપ્રદેશમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 47 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત

આંધ્રપ્રદેશમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 47 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત

0
Social Share

વિજયવાડા, 13 માર્ચ 2026: દેશને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લાના કોંડાપલ્લી ઔદ્યોગિક ક્ષેત્રમાં ચાલી રહેલી એક ગુપ્ત ડ્રગ્સ ફેક્ટરી પર દરોડા પાડીને ડીઆરઆઈએ અંદાજે રૂ. 47 કરોડની કિંમતનું 237 કિલોગ્રામ ‘અલ્પ્રાઝોલમ’ જપ્ત કર્યું છે. આ કાર્યવાહીને “ઓપરેશન વ્હાઇટ હેમર” નામ આપવામાં આવ્યું હતું.

ડીઆરઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે 11 અને 12 માર્ચ, 2026 ના રોજ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે, આ ગુપ્ત ઠેકાણું એક સામાન્ય કેમિકલ ઉત્પાદન એકમની આડમાં કાર્યરત હતું. હકીકતમાં, અહીં એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ અલ્પ્રાઝોલમનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવતું હતું.

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 20 વર્ષનો અનુભવ ધરાવતો એક નિષ્ણાત કેમિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. તેણે હૈદરાબાદના એક સાથીદાર સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું. હૈદરાબાદનો સાથીદાર કાચા માલ અને તૈયાર ડ્રગ્સના વિતરણની વ્યવસ્થા કરતો હતો. ડીઆરઆઈએ આ બંને મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી લીધી છે. તપાસ એજન્સીએ રૂ. 47 કરોડનું અલ્પ્રાઝોલમ (237 કિલોગ્રામ), 800 કિલોગ્રામ કાચોમાલ, 2860 લીટર વિવિધ કેમિકલ્સ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડીઆરઆઈએ અત્યાર સુધીમાં દેશભરમાં આઠ જેટલા ગુપ્ત ડ્રગ્સ ઉત્પાદન એકમોનો પર્દાફાશ કર્યો છે. સરકારના ‘ડ્રગ મુક્ત ભારત અભિયાન’ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવતા ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે, માદક દ્રવ્યોના જોખમથી સમાજને સુરક્ષિત રાખવા માટે આવી કાર્યવાહીઓ આગામી સમયમાં પણ જારી રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code