1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં હવે બાકી મિલકત વેરો ઉઘરાવવા માટે GMC દ્વારા ઘેર ઘેર ઢોલ વગાડાશે
ગાંધીનગરમાં હવે બાકી મિલકત વેરો ઉઘરાવવા માટે GMC દ્વારા ઘેર ઘેર ઢોલ વગાડાશે

ગાંધીનગરમાં હવે બાકી મિલકત વેરો ઉઘરાવવા માટે GMC દ્વારા ઘેર ઘેર ઢોલ વગાડાશે

0
Social Share

ગાંધીનગરઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોએ વર્ષોથી મિલકત વેરો ભર્યો નથી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સમાં રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. છતાં પણ વેરાની પુરતી વસુલાત થઈ શકી નહતી. કોમર્શિયલ પ્રોપર્ટીમાં તો સીલ મારીને વેરોની વસુલાત કરવામાં આવે છે. જ્યારે રહેણાક વિસ્તારોમાં મિલક્તોને સીલ મારી શકાતા નથી. એટલે લોકો વેરો પણ ભરતા નથી. હવે બાકી વેરો ઉઘરાવવા માટે મ્યુનિ. દ્વારા ઘેર ઘેર ફરીને ઢોલ વગાડવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુનિ.કોર્પોરેશન,  નગરપાલિકાઓ સહિતની સ્વાયત સંસ્થાઓને સરકારની ગ્રાન્ટ પર નભવાને બદલે વેરા વસૂલાતની કામગીરી કડક બનાવીને સ્વનિર્ભર બનવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ વેરા વસુલાતની કામગીરી કડક બનાવવામાં આવી છે. શહેરમાં વેરા વસૂલાતની કામગીરી માત્ર 60 ટકા જેટલી થતા હવે બાકીદારોને નોટિસ આપવાનું શરૂ કરવામાં આવશે. તેમજ મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ વગાડીને વેરાની ઉઘરાણી કરવાની પદ્ધતિ પણ અપનાવાશે.

સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં મિલકત વેરાનું કુલ ઉઘરાણું 80 કરોડ રૂપિયા છે, અને કુલ 1.75 લાખ મિલકતધારકો છે. અત્યારસુધીમાં આ પૈકી 82 હજાર જેટલા મિલકતધારકોએ 45 કરોડ રૂપિયાનો વેરો ચૂકવ્યો છે. જેથી હજુ પણ 35 કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. વેરા અંગેના કાયદાના નિયમો મુજબ આગામી દિવસોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરાની વસૂલાત વધુ સઘન બનાવવામાં આવશે. શરૂઆતના તબક્કે વેરાના બિલો સમયસર નહીં મળતા અને ઓનલાઇન પેમેન્ટમાં પણ ખામી સર્જાવાના કિસ્સાઓ બનતા વેરા વસૂલાતને ભારે અસર થઇ છે. ત્યારે હવે શક્ય એટલી વધુ વસૂલાત થાય તે માટેના પ્રયાસો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. મિલકત વેરા માટેનું અલાયદું સોફ્ટવેર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વોટ્સએપ પર બિલો મળી જાય અને લિન્ક મારફતે ઓનલાઇન પેમેન્ટ સરળતાથી થઇ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ હશે. આગામી દિવસોમાં આ સોફ્ટવેર કાર્યરત કરી દેવાશે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 10 ટકાની વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તે સમય દરમિયાન વેરાની વસૂલાતને સારો પ્રતિભાવ મળ્યો હતો. આ યોજના 30 જૂન સુધી લંબાવવામાં આવી હતી તે દરમિયાન 43 કરોડ રૂપિયાની વસૂલાત થઇ હતી પરંતુ તે પછી યોજના પુરી થઇ ગયા બાદ વસૂલાત ધીમી પડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code