વરસાદની પટર્ન બદલાતા અને કૂદરતી સંજોગાને લીધે રસ્તા તૂટે છે, કોન્ટ્રાક્ટરો જવાબદાર નહીઃ મંત્રી
વેરાવળઃ રાજ્યમાં વરસાદને કારણે ઘણાબધા રોડ-રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા રોડ તો એવા છે. કે રોડ બનાવ્યા બાદ પ્રથમ વરસાદમાં રોડ પરમોટા ખાડાં પડી ગયા છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ તૂટેલા રોડ અંગે રિટ દાખલ થઈ છે. ચોમાસું આવે એટલે ગુજરાતમાં મોટા હાઇવેથી લઇને નગરોના આંતરિક નાના રસ્તા પર ભૂવા પડતા હોય છે અને રોડ તૂટવાના બનાવ સામાન્ય બની ગયા છે. ત્યારે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના મતે રસ્તા તૂટવા એ માણસે કરેલી ભૂલ નહીં પણ એક્ટ ઓફ ગોડ એટલે કે કુદરતી સંજોગોને કારણે થાય છે. રસ્તા તૂટે એ માટે તે બનાવનારા કોન્ટ્રાક્ટરને બદલે કુદરતને મંત્રીએ જવાબદાર ઠેરવતા કહ્યું કે વરસાદની પેટર્ન બદલાતાં આમ થાય છે.
ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી સોમનાથ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, ત્યારે રોડની દયનીય હાલત અંગે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદ અનિશ્ચિત થઇ ગયો છે અને આખી સિઝનમાં પડતો 50થી 60 ઇંચ વરસાદ માત્ર બે કે ત્રણ દિવસમાં પડી જાય છે તેથી રસ્તા તૂટી જાય છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે. રોડ તૂટવામાં કોન્ટાક્ટરો નહીં પણ કૂદરત જવાબદાર છે. મોદીએ આ સાથે કહ્યું કે રસ્તાના સમારકામ માટે અમે બેઠક બોલાવી છે અને તૂટી ગયેલા રોડને ઝડપથી મરામત કરવામાં આવશે. આ અગાઉ પણ પૂર્ણેશ મોદીએ ગયા વર્ષે પણ ચોમાસામાં ખરાબ થયેલાં રસ્તા બાબતે કહ્યું હતું કે ચોમાસાની પેટર્ન બદલાવાથી આમ થાય છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે રાજ્યભરના તૂટેલા રોડ ઝડપથી રિપેરિંગ કરવાની કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગને આદેશ કર્યા હતા.


