1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા  રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો

0
Social Share

અમદાવાદઃ સાબરમતી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તેમજ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવતા શહેરના રિવરફ્રન્ટ પરનો વોક-વે લોકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અને લોકો અવર-જવર ન કરે તો માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વાસણા ડેમના દરવાજા ખોલાયા બાદ નદીમાં પાણીનું જળસ્તર ઘટી જતાં રિવરફ્રન્ટનો વોક-વે લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક વધતા ધરોઈ ડેમમાંથી હજારો કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ થઈ હતી.નદીમાં પાણીનું જળસ્તર વધવાની શક્યતાને પગલે સાબરમતી રિવરફ્રન્ટ વોક-વેને બુધવારે રાત્રે 8 વાગ્યાથી લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે હવે ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી વાસણા બેરેજ તરફ આવી રહ્યું છે અને નદીની જળ સપાટી સામાન્ય થઈ ગઈ છે. જેથી  રિવરફ્રન્ટનો વૉક વે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકો રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમીનાડ ઉપર જઈ શકશે. ગુરુવારે વહેલી સવારે ધરોઈ 36 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયા બાદ બપોરે 66 હજાર ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતાં સાંજે સાબરમતી નદીમાં પાણીની ભારે આવક થઇ હતી. સામાન્ય દિવસો કરતા સાબરમતી નદીનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સાબરમતી નદી બંને કાંઠે રિવરફ્રન્ટ વોક વેથી નીચલા ભાગ સુધી પાણી પહોંચી ગયા હતા. જોકે લોઅર પ્રોમીનાડ સુધી પાણી પહોંચ્યા નહોતા. સાબરમતી નદીમાં પૂજા કરવા માટે કેટલીક જગ્યાએ જે ભાગ બનાવવામાં આવ્યો છે તેમાં પાણી ફરી વળ્યા હતા. વર્ષ 2017માં જુલાઈ મહિનામાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક થતાં ધરોઇ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે અમદાવાદ પહોંચ્યું હતું તે સમયે સાબરમતી રિવરફ્રન્ટના વોક વે ઉપર પાણી ફરી વળ્યા હતા આખો રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો હતો સાથે સાથે સાપ જેવા જીવજંતુઓ પણ તણાઈ આવ્યા હતા. આજે ફરી એકવાર એ જ રીતે ધસમસતા પ્રવાહ સાથે નદી વહેતી જોવા મળી હતી પરંતુ આ વખતે રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી ફરી ન વળે તેના માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી ઝડપથી ધોળકા તરફ આગળ વધી ગયું હતું.

ગાંધીનગરમાં સંત સરોવરના 21 દરવાજામાંથી 14 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. 7 દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ 25117 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી ઊંચી આવી છે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code