
લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર
મુંબઈ: લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન યોજાયું છે અને હવે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના ચૂંટણીપ્રચારની તમામ જવાબદારી ઉઠાવી લીધી છે અને સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ગઈકાલે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ સભાઓ અને રેલીઓ ગજવી રહ્યાં છે અને હવે પાંચમા તબક્કાના મતદાનને લઈને ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.
PM મોદી લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મુંબઈ પહોંચવાના છે. મુંબઈમાં તેમનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે. PM મોદીનો રોડ શો મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સાંજે 6 વાગ્યે શરૂ થશે, PM મોદીનો રોડ શો જ્યાં યોજાયો છે તે વિસ્તાર ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા સીટ હેઠળ આવે છે અને બીજેપીના મિહિર કોટેચા અહીંથી ઉમેદવાર છે.
પીએમ મોદીના અંદાજે 4 કિલોમીટરના રોડ શોમાં 7 સ્ટોપ છે. આ રોડ શો ઘાટકોપરના એલબીએસ રોડ પર આવેલી અશોક સિલ્ક મિલથી શરૂ થઈને શ્રેયસ સિનેમા, સર્વોદય સિગ્નલ, સીઆઈડી ઑફિસ, સંઘવી સ્ક્વેર, હવેલી બ્રિજ થઈને પાર્શ્વનાથ ચોક પર સમાપ્ત થશે.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અશોક સિલ્ક મિલમાં પહોંચીને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવશે, જેને મેરીગોલ્ડના ફૂલોથી શણગારવામાં આવી રહી છે. હાલ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે અને પોલીસ સુરક્ષા મજબૂત છે.
નાસિકમાં બપોરે 1 વાગ્યે જનતાને સંબોધિત કરશે
સૌથી પહેલા પીએમ મોદી બપોરે 1 વાગ્યે મહારાષ્ટ્રના નાસિકમાં સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ કલ્યાણ લોકસભા પહોંચશે અને સાંજે 4:30 વાગ્યે એક મોટી સભાને સંબોધશે. જેમાં ભિવંડી લોકસભાના ઉમેદવાર કપિલ પાટીલ અને કલ્યાણ લોકસભાના ઉમેદવાર શ્રીકાંત શિંદે છે.