
અમદાવાદઃ શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ સમસ્યાના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં બાગ-બગીચાની બહાર મ્યુનિ.એ પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરી જ નથી. એકતરફ કોમ્પ્લેક્ષ, સરકારી ઓફિસ કે જાહેર સ્થળોએ પાર્કિગની સુવિધા હોવી જરૂરી છે, પરંતુ શહેરના તમામ બાગ-બગીચાઓ બહાર હવે વાહન પાર્કિગ ન હોવાને કારણે લોકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પોતાના અણઘડ આયોજનને કારણે અનેક વખત પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બાગ બગીચાઓમાં આવતાં મુલાકાતીઓના વાહન પાર્ક કરવા માટે પાર્કિગ જ બનાવવાના ભુલી ગઈ છે. જેના કારણે આજે બગીચાઓમાં આવતા મુલાકાતીઓને રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. શહેરનું સૌથી પ્રખ્યાત સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનમાં દર શનિવાર-રવિવારે મોટી સંખ્યામાં લોકો આવે છે. ગાડી લઈને ફરવા આવતા લોકોએ પોતાની ગાડી પાર્કિગના અભાવે રોડ પર જ પાર્ક કરવી પડે છે અને રોડ પર વાહન પાર્ક કરતા ટ્રાફિક પોલીસની ક્રેનવાળા આવીને લોક મારી જતાં રહે છે.
બગીચા બહાર પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક પોલીસ લોક મારીને જતા રહ્યા બાદ તેઓને શોધવા અને બાદમાં લોકો વાહન પાર્કિગ માટે જગ્યા ન હોય તો ક્યાં વાહન મૂકીએ એમ કહી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. પ્રહલાદનગર ગાર્ડનની બહાર પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ગાર્ડનની બહાર જ રોડ પર વાહનોની લાઈન લગાવી પડે છે. શહેરમાં નાના- મોટા તમામ બાગ-બગીચાઓ બહાર આ રીતે વાહન પાર્કિગ ફૂટપાથ પર અથવા રોડ પર કરવાની ફરજ પડે છે. પાર્કિગની સુવિધાઓ ઊભી કરવાની વાત મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે, પરંતુ ખરેખર જ્યાં પાર્કિગની જરૂરિયાત છે ત્યાં જ વાહન પાર્કિગ ખુદ કોર્પોરેશન જ ઉપલબ્ધ કરાવી શકી નથી.