અમદાવાદઃ દિવાળીને લીધે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ છે, ખાનગી ટ્રાવેલ્સે પણ બસના ભાડાં વધારી દીધા છે. બીજીબાજુ ફ્લાઈટ્સમાં ફુલ બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ભારત તરફ જતી ફ્લાઈટની ટિકિટમાં 200 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. તહેવારની સીઝનમાં વધારે ધસારો રહેતો હોવાથી, મુખ્ય શહેરોની ફ્લાઈટના ભાડામાં રોકેટગતિએ વધારો થયો છે.
અમદાવાદથી દેહરાદૂન સુધીનું રાઉન્ડ ટ્રિપ વિમાનનું ભાડું 200 ટકાથી વધીને 21,090 રૂપિયા થયું છે. જયપુર અને ચંડીગઢના ભાડામાં પણ વધારો કરાયો છે. રાઉન્ડ ટ્રિપનું ભાડું અનુક્રમે 11,851 રૂપિયા અને 17,154 રૂપિયા ચૂકવવું પડી શકે છે. આ ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલની સાથે-સાથે શહેર આધારિત ટ્રાવેલ એજન્ટનો અંદાજ છે. અમદાવાદ એરપોર્ટથી દિલ્હીના રાઉન્ડ ટ્રિપની ટિકિટનો ભાવ પણ 88 ટકાથી વધીને 12,274 રૂપિયા થઈ ગયો છે. દિવાળીએ ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના કેટલાક સ્થળો પસંદગીના વેકેશનના સ્થળો છે. કેરળમાં પૂર આવતા, મોટાભાગના પ્રવાસીઓએ ફરવા માટે ઉત્તર ભારત પર પસંદગી ઉતારી છે. દિલ્હી, દેહરાદૂન, ચંડીગઢ અને જયપુરમાં કેટલાક હિલ સ્ટેશન માટે સારી રોડ કનેક્ટિવિટી હોવાથી, આ સ્થળોની ફ્લાઈટ આશરે પૂર્ણ ચાલી રહી છે. તેથી, વિમાનનું ભાડુ આસમાને પહોંચી ગયું હોવાનું ટ્રાવેલ્સ એજન્ટ્સ જણાવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એરલાઈન્સની સામાન્ય રીતે એક ગતિશીલ ભાવ નીતિ ધરાવે છે, જે માગ અને પુરવઠાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ વખતે વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. ઉત્તર ભારત સિવાય લોકોમાં ગોવાનું પણ વધારે આકર્ષણ છે ભારતનું મનપસંદ બીચ ડેસ્ટિનેશન ઓગસ્ટમાં ફરીથી ખુલ્યુ ત્યારથી ગોવા તરફ સારો ધસારો જોવા મળી રહ્યા છે. દિવાળી માટે પણ આવું જ છે. જો કે, વિમાનના ભાડામાં વધારો થવાનું એક કારણ ચોક્કસ ટ્રાવેલ એજન્ટ દ્વારા એકસાથે કરવામાં આવેલુ વધારે બૂકિંગ પણ કારણભૂત છે. મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોના વિમાની ભાડામાં પણ વધારો નોંધાયો છે.