અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતમાં ક્યાંય જાનહાનિ નથી, માત્ર માલ મિલકતને નુકશાન થયું છે. બીજી બાજુ બિપોરજોયના કારણે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસેલા વાવેતર લાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી છે. વહેલા વરસાદને લીધે વહેલા વાવેતરની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેમજ વહેલું વાવેતર થતા વાવેતરને પણ પાછોતરા વરસાદ પર નિર્ભર રહેવું નહીં પડે. તેમજ પાછોતરા વરસાદ ખેંચાય તો પણ વાવેતર બાદ ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થઇ શકે છે.
ગુજરાતમાં વાવાઝોડને લીધે શુક્રવારે 117 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અને હજુપણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ છે, તેવા ખેડુતોએ ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધુ હતું. આમ તો મોટાભાગના ખેડુતોએ ભીમ અગિયારસથી જ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હવે વાવાણી લાયક વરસાદ વસસી ચૂક્યા છે. ઘણા ખેડુતો ઉઘાડ નિકળવાની રાહ જોઈ રહ્યા છે. તે ઘણા ખેડુકોએ વાવાણી કાર્યનો આરંભ કરી દીધો છે.
હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર, સવારથી ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી રાજ્યના 15 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. તો રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઇ ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. જેને લઇ વાહન ચલાકો અને રહેદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મુખ્ય બજાર વિસ્તારમાં ગટર વ્યવસ્થાના અભાવને લઇ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થવાને કારણે પાણી રસ્તા પર ભરાઈ રહેતા ભારે હાલાકી સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.