
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માતાના દુઃખાવારૂપ બની રહી છે. જેમાં પીકઅપ સમયે તો ટ્રાફિકજામના દ્ર્શ્યો જોવા મળતા હોય છે. પીકઅપ સમયે મ્યુનિ.ના કચરો વહન કરતા મોટા વાહનો અને બિલ્ડરોને માલ સપ્લાય કરતા મોટા ડમ્પરોનો ટ્રાફિક જામ કરવામાં મોટો ફાળો હોય છે. મોટાભાગનાં ડમ્પરો નિયમોની ઐસીતૈસી કરીને દોડી રહ્યા છે. ઘણી વાર આ ડમ્પરો મોતના ડમ્પર સાબિત થઈ ચૂક્યા છે. તેમનાથી સર્જાયેલા અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યાના પણ દાખલા છે. તેમ છતા ટ્રાફિક પોલીસની નજર હેઠળ કોઈ પણ વિસ્તારમાં ડમ્પર દોડતા જોઈ શકાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સવારે આઠથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંજૂરી સાથે જ અમુક સંજોગોમાં ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરમાં મંજૂરી અપાય છે. જો કે ડમ્પરના માલિકોને નિયમોથી કોઈ ફરક નથી પડતો. રેતી, કપચી, કચરો અને કાટમાળનું વહન કરતા ડમ્પરો માટે નિયમોને નેવે મૂકી દેવાય છે. ટ્રાફિક પોલીસ નિયમો તોડતા ભાર વાહનો સામે કાર્યવાહી કરાતી હોવાના દાવા કરે છે, જો કે સવાલ એ ઉભો થાય છે કે નિયમો અને કાર્યવાહી છતા ડમ્પરો કેમ રસ્તા પર દોડી રહ્યા છે..કેમ બેફામ દોડતાં ડમ્પરોને અટકાવવામાં નથી આવતા. આ વાત હપતાખોરી તરફ પણ નિર્દેશ કરે છે. ટ્રાફિકના નિયમો તોડતા વાહનચાલકોને મેમો મોકલવા શહેરનાં ઘણા ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરા લગાવેલા છે. પણ નવાઈની વાત એ છે કે માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો CCTV કેમેરામાં કેદ નથી થતા. શહેર ટ્રાફિક પોલીસે રાત્રી દરમિયાન જ ડમ્પરોને છૂટ આપવી જોઈએ. તેમજ માટી ભરેલા ડમ્પરને લીધે રોડ પર માટી ઉડતી હોય છે. માટીને ઢાંકવામાં પણ આવતી નથી. ડમ્પરો પર આરટીઓની નંબર પ્લેટ પણ લાગેલી જોલા મળતી નથી. ડમ્પરચાલકો એક પણ નિયમોનું પાલન કરતા નથી છતાં તેમની સામે કેમ પગલાં લેવાતા નથી.