1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

0
Social Share

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. પાંચ વર્ષે કમાવવાનો આવો એકવાર મોકો આવતો હોવાથી વેપારીઓ તકનો લાભ લઈને કમાણી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીની પ્રચાર સામગ્રીના એક હજાર કરોડ રૂપિયાના વેપારમાંથી સુરતના વેપારીઓએ 900 કરોડ રૂપિયાનો વેપાર અંકે કરી લીધો છે. ચૂંટણી પ્રચાર માટેની સામગ્રી પહેલાં કોટન કાપડ આધારિત હતી. હવે પોલિસ્ટર કાપડ આધારિત થઈ હોવાથી સુરતને માટે આ નવી તક ઊભી થઈ છે. સુરત રાજકીય પ્રચાર સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. અને પ્રચાર સામગ્રીનું બજાર પણ ઘમધમવા માંડ્યું છે. ધ્વજ, ખેસ, ટોપી, બેજ, કટઆઉટ, બેનર જેવી સામગ્રીનો વેપાર મોટાપાયે ચાલી રહ્યો છે. વેપારીઓના કહેવા મુજબ  પહેલાં સુરતમાં માત્ર ટ્રેડિંગ થતું હતું.  હવે  પોલિટિકલ કેમ્પેઈન મટિરિયલનું હબ બની ગયું છે. પહેલાં રાજસ્થાન, અમદાવાદ, દક્ષિણના કેટલાંક વિસ્તારમાં કોટન કાપડ આધારિત સામગ્રીઓ બનતી હતી. તે સુરતમાં લાવીને તેનું ટ્રેડિંગ કરાતું હતું. જોકે, હવે સુરતમાં જ તેનું ઉત્પાદન થવા માંડ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં પ્રચાર માટેની સામગ્રી સુરતથી સપ્લાય થાય છે.  કાપડ ઉદ્યોગના અગ્રણીના કહેવા મુજબ  પહેલાં પ્રચાર માટે રાજકીય પાર્ટીઓના ધ્વજ, બેનર, ખેસ, ટોપી જેવી ચીજ કોટન કાપડમાંથી બનાવાતી હતી. હવે સુરતના સિન્થેટીક કાપડમાંથી બનાવાય રહી છે. થોડા મહિના પહેલાં કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અભિયાન વખતે સુરતે કરોડો ધ્વજ તૈયાર કરીને દેશભરમાં સપ્લાય કર્યા હતાં. ત્યારબાદ સુરત રાજકીય પક્ષો માટે પણ પ્રચાર સામગ્રી ઉત્પાદન માટેનું કેન્દ્ર બની ગયું છે. રાજકીય પ્રચાર સામગ્રીનું દેશમાં એક હજાર કરોડનું માર્કેટ છે. સુરતે તેમાં 90 ટકા જેટલું માર્કેટ કબજે કરી લીધું છે. સુરતમાં પ્રચાર સામગ્રી ઉત્પાદનનું મોટું કામ ચાલી રહ્યું છે. તમામ રાજકીય પક્ષોની ટોપી, ખેસ, ધ્વજ, સાડી, જેકેટ પણ સુરતમાં ખૂબ મોટાપાયે બની રહ્યું છે. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code