
અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગની હીટવેવની આગાહી કરી છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આંશિક પલટો આવ્યો હતો. બનાસકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. જ્યારે વલસાડનો દરિયો એકાએક તોફાની બન્યો હતો.
ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે અંબાજીના વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. અંબાજી અંને આજુબાજુના વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આકરી ગરમી વચ્ચે અનાચક વરસાદ થતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અંબાજીના હડાદ પંથકમા વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના છાંટણાં પડ્યા હતા
રાજ્યમાં હિટવેવની આગાહીને લઈને અનેક જિલ્લાઓમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે એકાએક અંબાજી પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે ગરમી વચ્ચે એકાએક વાતાવરણ પલટાયું હતું અને અંબાજી અંને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળે કમોસમી વરસાદી છાંટાથી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોના આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. વરસાદી છાંટાથી યાત્રાધામ અંબાજીના રોડ રસ્તાઓ ભીંજાયા હતા અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત હીટવેવની આગાહી છે.