
દિલ્હી: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીંથી દરરોજ ભૂકંપના સમાચારો આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે શુક્રવારે સવારે 6:39 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
અફઘાનિસ્તાનમાં આ અઠવાડિયામાં આ બીજો ભૂકંપ છે. આ પહેલા બુધવારે 11 ઓક્ટોબરે ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ એ જણાવ્યું કે ભૂકંપ 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઇએ હતો. 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાના બે ભૂકંપ આવતા ડઝનેક લોકો માર્યા ગયા હતા, એમ દેશની નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટીએ જણાવ્યું હતું. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થયો છે.
ખામા પ્રેસે તાલિબાન મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો રહેણાંક મકાનો ધરાશાયી થયા છે. અફઘાનિસ્તાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે હેરાતના 20 ગામોમાં 1,983 રહેણાંક મકાનો પણ નાશ પામ્યા છે. તાલિબાને હજુ સુધી હેરાતમાં આવેલા ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને ઘાયલોની સંખ્યા જાહેર કરી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.