Homeગુજરાતીઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા

ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનની પહેલી ફ્લાઈટ દિલ્લી આવી છે જેમાં 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા છે.

વધુ જાણકારી અનુસાર ઈઝરાયેલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં 212 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) દિલ્હી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી એરપોર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન અજય હેઠળ ભારત સરકાર ઈઝરાયેલથી જે લોકોને લાવી રહી છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં આવી રહ્યું નથી. ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીય મૂળના લોકો રહે છે.

ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને આશ્વાસન આપતા ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે ભારતીય નાગરિકોને શાંત અને સતર્ક રહેવા જણાવ્યું છે. દૂતાવાસે તેના સંદેશમાં કહ્યું, ‘તમને ખાતરી આપવામાં આવે છે કે એમ્બેસી તમારી સુરક્ષા અને કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. આપણે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને શાંત અને સતર્ક રહો અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરો.

આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઓપરેશન અજય વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ઓપરેશન અજય શરૂ કરી રહી છે. આના દ્વારા જે ભારતીય નાગરિકો પરત ફરવા માંગે છે તેમને ઈઝરાયેલથી પરત લાવવામાં આવશે. ભારતીય નાગરિકોને લઈ જતી આ ફ્લાઈટ બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular