કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો
- 5ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
- સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. કચ્છમાં આવેલા ભુકંપને પગલે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે આવેલા ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
કચ્છમાં વર્ષ 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છમાં ધરા ધ્રૂજતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. ગુજરાતમાં Biparjoy Cyclone હવે વધુ પ્રચંડ બન્યું છે. ત્યારે આવતી કાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં કચ્છ પાસેથી વાવાઝોડુ પસાર થવાનું છે. વાવાઝોડુ પસાર થવાનુ હોવાથી 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 જૂને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વાવાઝોડાની આફત સામે વધુ એક આફતનો સામનો કચ્છ કરી રહ્યું છે.વાવાઝોડાની આફત વચ્ચે સાંજે 5.05 કલાકે કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.