
નૈનીતાલમાં મુસાફરો ભરેલુ વાહન ખીણમાં ખાબક્યું, આઠ વ્યક્તિના મોત
નવી દિલ્હીઃ નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચકોટ મોટર રોડ પર મોડી રાત્રે લગભગ એક પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. નૈનીતાલ નજીક ઉંડી ખાઈમાં વાહન ખાબકતા સર્જાયેલા અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ મેળવા માટે કવાતય હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનના વડા અનીસ અહેમદે જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે પીકઅપ ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું હતું કે ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર (ઉ.વ. 42), હરિરામના પુત્ર, ઓડાબાસ્કોટ નિવાસી, સિવાય વાહનમાં નવ નેપાળી મજૂરો હતા. પોલીસ દ્વારા મોડી રાત સુધી બચાવ કામગીરી કરાઈ હતી.
આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરીને દરેક લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા નેપાળી મજૂરોના નામ અને ઘર હજુ સુધી જાણી શકાયું નથી. ઇજાગ્રસ્તના ભાનમાં આવ્યા બાદ જ કેટલીક માહિતી ઉપલબ્ધ થશે. સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.