1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજુલા તાલુકાના રામપરા ગામે શિકારની શોધમાં આઠ સિંહ એકસાથે આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજુલા તાલુકાના રામપરા ગામે શિકારની શોધમાં આઠ સિંહ એકસાથે આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ

રાજુલા તાલુકાના રામપરા ગામે શિકારની શોધમાં આઠ સિંહ એકસાથે આવી જતાં ગ્રામજનોમાં ફફડાટ

0
Social Share

અમરેલીઃ ગીર જંગલના વનરાજોને હવે અમરેલી જિલ્લાની ધરા અને વાતાવરણ માફક આવી રહ્યું છે. સિહ હવે તો ધારીથી લઈને છેક રાજુલા અને પીપાવાવના દરિયા કિનારે લટાર મારતા જોવા મળતા હોય છે. સિંહ એકલ-દોકલ નહીં પણ પરિવાર સાથે ગામોમાં લટાર મારવા કે શિકારે આવી ચઢે છે. ત્યારે તેમના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વખત સિંહનાં ટોળાંની લટારનો વીડિયો  વાયરલ થયો હતો. જેમાં રાજુલાના રામપરા ગામે એક સાથે આઠ જેટલા સિંહ  શિકારની શોધમાં ફરતા હોવાનું જોઈ શકાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે રાત્રે આઠ જેટલા સિંહ બિનધાસ્ત ગામના રસ્તાઓ પર ફરી રહ્યાનો વિડિયો વાયરલ થયો છે.. રામપરા ગામના રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે. ત્યારે બીજી બાજુ, આ પ્રકારે ગામમાં સિંહોની હાજરી હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામમાં એકસાથે આટલી સંખ્યામાં સિંહોની અવરજવર હોવાના કારણે ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ મામલે વન વિભાગને પણ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સિંહો વારંવાર ગામમાં આવી ચઢે છે, જેથી ગ્રામજનોમાં વન વિભાગને લઈ નારજગી ઊભી થઈ રહી છે.

રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા લેખિતમાં વન વિભાગ અને સાંસદ સુધી રજૂઆત કરવામાં આવી હતી કે ગામનાં કીમતી પશુના શિકાર કરવામાં આવી રહ્યાં છે, જેને કારણે વન વિભાગે વધુ વળતર આપવું જોઈએ. વન વિભાગ પેટ્રોલિંગ કરીને  સિંહોને રામપરા ગામના રહેણાક વિસ્તારથી દૂર ખદેડવા જોઈએ,  સિંહોના આંટાફેરાથી ગામના લોકો ડરી રહ્યા છે.  રામપરા ગામમાં અવારનવાર સિંહ ઘૂસી આવે છે. એક મહિના પહેલાં પણ આ જ સ્થળ પર ત્રણ સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. ત્યાર બાદ ગત રાત્રિએ અહીં એકસાથે આઠ સિંહ જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં સિંહ પરિવારના આંટાફેરા કેદ થયા બાદ વીડિયો વાઈરલ થતાં ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે. જ્યારે થોડા દિવસ અગાઉ રાજુલાના ભેરાઇ ગામમાં મધરાતે પાંચ સિંહોએ ત્રાડ પાડી આખલા પર તરાપ મારી હતી. જોકે આ ત્રાડના કારણે દેવદાસ નામના ખેડૂત જાગી ગયા હતા. તેઓ ઘરની છત પર ચડી ગયા હતા અને હાકલા પડકારા કર્યા હતા, જેથી સિંહોને અધૂરો શિકાર મૂકીને પરત ફરવું પડ્યું હતું. એ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code