પિતાના અવસાન બાદ આશ્રિત દીકરીને વળતરની રકમ ચુકવવા માટે વીમા કંપનીને હાઈકોર્ટની ટકોર
અમદાવાદઃ ભાવનગરની એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહિલાના પિતાના અવસાન બાદ વીમા કંપનીએ વળતરની રકમ નહીં ચુકવતા મહિલાએ રાજ્યની વડી અદાલતના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન છુટાછેડા બાદ દીકરી પિતાના આશ્રિત હોય તો તેમને પણ અપરણીત દીકરીની જેમ જ વળતર ચુકવવું જોઈએ, વીમા કંપનીએ આ અંગે જવાબ રજૂ કરવા સમય માંગતા હાઈકોર્ટે વધુ સુનાવણી 20મી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી હતી.
કેસની કહીકત અનુસાર ભાવનગરમાં પિતા સાથે રહેતી શોભના પરમારના સમાજના રીતિરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતા. જો કે, પતિએ તેને તરછોડીને બીજા લગ્ન કરતી મહિલા પોતાના પિતાના ઘરે આવી હતી. વર્ષોથી પિતાના આશ્રયથી રહેતી હતી. દરમિયાન પિતાનું અવસાન થતા શોભનાએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમજ વીમા કંપનીએ મહિલાને પિતાના વીમાની રકમ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વીમા કંપનીએ પરિણીત દીકરી વળતરની હકદાર નહીં હોવાનું જણાવીને વળતર ચુકવ્યું ન હતું.
હાઈકોર્ટમાં મહિલાએ રજૂઆત કરી હતી કે, તેઓ વર્ષોથી પિતાને આશ્રિત રહેતા હતા. આ બનાવ વખતે તેઓ પિતાને આશ્રિત હોવાથી તેઓ વળતર મેળવવા હકદાર છે. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે, કેનેડામાં રહેતા મારા ભાઈને વળતર મળે તો મને શા માટે નહીં? તો વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે, બંન્ને દીકરીઓ પરિણીત હોવાથી વળતર મેળવવા હકદાર નથી.
ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને ટકોર કરી હતી કે, પિતા અને દીકરીનો સંબંધ લોહીનો કહેવાય. આ કેસમાં દીકરી ભલે પરિણીત હોય પરતું તેના પિતાને આશ્રિત હોવાથી તે વળતર મેળવવા હકદાર છે. પરિણીત દીકરી આશ્રિત હોય તો તેમને અપરિણીત દીકરીની જેમ જ વળતર મળવું જોઈએ.