1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા
વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા

વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા

0
Social Share

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત  ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.

બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની 15મી વિધાનસભા એ યુવાશક્તિ તેમજ અનુભવનું અનોખો સુમેળ છે. રાજ્ય વિધાનસભામાં 82 જેટલા નવા ચૂંટાયેલા સભ્યો છે અને 15 મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે કે જેમાંથી 8 મહિલાઓ પહેલી વાર સભ્ય બની છે. તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યુ હતું કે જનપ્રિતિનિધિ હોવાના નાતે તેમના પર મતદારોના પ્રશ્નોના ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી ગૃહમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ તથા ચર્ચાનું સ્તર ઉચ્ચતમ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા તેમજ સંવાદનું સ્તર જેટલું ઉંચુ હશે, તેટલા જ કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે એ જરૂરી છે કે સભ્યોને નિયમો તેમજ પ્રક્રિયાઓની માહિતી હોય. તેથી ગૃહે ચર્ચા તથા સંવાદનું એક અસરકારક કેન્દ્ર બનવું જોઇએ કે જેથી આપણી લોકશાહી વધુ મજબૂત બને.

પ્રિસાઇડિંગ ઑફિસરોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં  બિરલાએ વધુમાં જણાવ્યુ હતું કે પ્રિસાઇડિંગ ઑફિસરની જવાબદારી છે કે તેઓ ગૃહની ગરિમા વધારવાની દિશામાં કાર્ય કરે. ગૃહોમાં ચર્ચાઓનું સ્તર નીચે જવું તથા ગૃહની ગરિમામાં ઘટાડો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય એ જ હોય છે કે જે ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતી ચર્ચા તથા સંવાદમાં ભાગ લે અને ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરે. સભ્યોએ તથ્યો સાથે પોતાની વાત મૂકવી જોઇએ, કારણ કે આધારવિહોણા આરાપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ધારાસભ્ય તરીકેના સેવા દાયિત્વ, સૌભાગ્યની જનતા જનાર્દને આપેલી અમૂલ્ય તકથી રાષ્ટ્રહિત-સમાજહિત માટેની નૈતિક જવાબદારી સૌ નિભાવીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશીને શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ કાર્યશાળા 15મી વિધાનસભાના પ્રત્યેક નવ નિર્વાચિત  જનપ્રતિનિધિ માટે જાહેરજીવન અને પ્રજા સેવા સમર્પણનો સુવર્ણકાળ બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત દેશના મોડેલ સ્ટેટ અને ગ્રોથ એન્જીનના રૂપમાં વિકસ્યુ છે. એટલું જ નહિ, રાજ્યના વિકાસની ચર્ચા થાય ત્યારે વિધાનગૃહ, ગૃહમાં બનેલા કાયદા કાનૂન તથા સુશાસન-ગુડ ગર્વનન્સને બળ આપનારા નિર્ણયોની ચર્ચા પણ અવશ્ય થાય છે.

ગુજરાતના ધારાસભ્યો માટે આયોજિત સંસદીય કાર્યશાળાના શુભારંભે સ્વાગત પ્રવચન કરતા વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલી, નિયમો અને ગૃહની કામગીરીથી પરિચિત થાય અને તેમના કર્તવ્યોનું સુચારુ રીતે પાલન કરી જનતાની આકાંક્ષાઓ ઉપર ખરા ઉતરી શકે તે માટે આ વિશેષ કાર્યશાળાના આયોજન કરવામાં આવ્યું છે. સંસદીય કાર્યપ્રણાલીના વિવિધ વિષયો વાંચન કરતાં અનુભવોથી વધારે સારી રીતે સમજી શકાય છે અને એટલા માટે જ એક નવતર પહેલના ભાગરૂપે સંસદીય કાર્યશાળાનું આયોજન કરાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code