5 રાજ્યોમાં SIR પ્રક્રિયાની મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવતુ ચૂંટણીપંચ
નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: ભારતીય ચૂંટણીપંચ (ECI) દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પંચે ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમય મર્યાદા વધારીને હવે 19 જાન્યુઆરી, 2026 સુધી કરી દીધી છે.
ચૂંટણીપંચે આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEOs) માહિતગાર કર્યા છે. પંચે આદેશ આપ્યો છે કે મુખ્ય કાર્યકારી અધિકારીઓએ આ નવી સમયમર્યાદા અંગે સ્થાનિક સ્તરે વ્યાપક પ્રચાર અને પ્રસાર સુનિશ્ચિત કરવો. વધારેમાં વધારે નાગરિકો આ પ્રક્રિયામાં ભાગ લે અને પોતાના દાવાઓ રજૂ કરી શકે તે માટે જાગૃતિ લાવવી.
SIR (Special Intensive Revision) એ મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને સચોટ બનાવવાની પ્રક્રિયા છે. આ અંતર્ગત જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેઓ નામ નોંધાવી શકે છે. નામ, સરનામું કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો તે સુધારી શકાય છે. મતદાર યાદીમાં ખોટા નામો દૂર કરવા અથવા પાત્રતા ધરાવતા લોકોના નામ ઉમેરવા માટે દાવા રજૂ કરી શકાય છે. અગાઉ આ પ્રક્રિયાની મુદત 15 જાન્યુઆરી સુધી હતી, પરંતુ લોકોની સુવિધા અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને હવે 19 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.


