
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા, અને ઉપનેતા શૈલેષ પરમારની પસંદગી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે. કોંગ્રેસની કારમી હાર બાદ ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી બેથી ત્રણ નેતાઓએ વિપક્ષનું પદ મેળવવા હાઈકમાન્ડ પર દબાણ કર્યું હતું. તેના લીધે કોંગ્રેસનું હાઈકમાન્ડ પણ કોઈ નિર્ણય કરી શકતું નહતું. અને દોઢ મહિના સુધી કોઈ નિર્ણય ન લેતા આખરે વિધાનસભાના સચિવે 19મી જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતાનું નામ નક્કી કરવા તાકીદ કરી હતી. આ મામલે ઊંઘમાંથી સફાળા જાગેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસના હાઈકમાન્ડને આ અંગે ત્વરિત નિર્ણય લેવા વિનંતી કરી હતી. આખરે વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેશ પરમારની પસંદગી કરીને વિધાનસભાના સચિવને જાણ કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસે આખરે વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાની જાહેરાત કરી છે. જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા તેમજ ઉપનેતા તરીકે અમદાવાદના દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની નિમણૂક કરી છે. સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. ત્યારે 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું. જેથી 20 જાન્યુઆરી પહેલાં જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું. વિપક્ષ નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મોંઘું શિક્ષણ છે, બેરોજગારી આસમાને છે, પરીક્ષામાં કૌભાંડ થતાં યુવાનો નિરાશ છે, લોકોને પારાવાર સમસ્યા છે. સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. એની સામે પ્રજાના જે પ્રશ્નો છે તે માટે લડીશું અને અવાજ ઉઠાવીશું. વિધાનસભા કોંગ્રેસ પક્ષ લોકોના અધિકારો માટે અવાજ જે રીતે બૂલંદ કરવાનો થશે તે લોકો વચ્ચે અને ફ્લોર પર અવાજ ઉઠાવશે. સંવૈધાનિક અધિકાર છીનવાતો હશે ત્યારે કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે. લોકોના પ્રશ્નો સરકારને રજુઆત કરીને ઉકેલવાના પ્રયાસો કરીશું.
સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. ત્યારે કોંગ્રેસની કારમી હાર શા માટે થઈ તેનું હાલ મંથન ચાલી રહ્યું છે. હાઈકમાન્ડે મોકલેલા નિરિક્ષકો હારનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતાઓમાંથી કેટલાકે ઇવીએમને જવાબદાર ગણ્યા, તો કેટલાકે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણી, તો કેટલાકે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓને પણ જવાબદાર ગણ્યા હતા. હજુ 2 દિવસ સુધી ધારાસભ્ય અને ઉમેદવારો સાથે બેઠક ચાલશે. જે બાદ રિપોર્ટ તૈયાર કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોપાશે.