
વડોદરાઃ વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ યાને બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી સોમવારે યોજાવાની હતી. પરંતુ, ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ચૂંટણી હવે આગામી 3જી જુલાઈ સુધી મોકુફ રાખવામાં છે. કોંગ્રેસના ડિરેક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપએ પોતાની આબરૂ બચાવવા માટે ચૂંટણી અધિકારીને હાજર રાખ્યા નથી. પરંતુ, આગામી 3 જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં પરિવર્તન નક્કી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સોમવારે જો ચૂંટણી યોજાઇ હોત તો પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકી પ્રમુખ તરીકે નિશ્ચીત ચૂંટાઇ આવવાની શક્યતા હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા ડેરીની ચૂટણીને લઈને જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા બરોડા ડેરીના પ્રભારી રાજેશ પાઠકને મેન્ડેડ લઈને મોકલ્યા હતા. પરંતુ, પ્રભારી દ્વારા લાવવામાં આવેલા મેન્ડેડમાં 13માંથી 11 ડિરેક્ટરે તેનો વિરોધ કર્યો હતો. ડિરેક્ટરો દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધને પગલે ભાજપ પ્રભારીએ ડિરેક્ટરો સાથે વન ટુ વન ચર્ચા કરવા માટે ચૂંટણી અધિકારી પાસે 3 વાગ્યા સુધીનો સમય લીધો હતો. આથી ચૂંટણી અધિકારીએ ટેલિફોનિક બપોરે 3 વાગ્યે ચૂંટણી સમય આપ્યો હતો. પરંતુ, પ્રભારી બપોરે 3 વાગ્યા સુધી પણ ડિરેક્ટરોને મનાવી શકવામાં સફળ ન રહેતા ભાજપે સત્તાનો ઉપયોગ કરી ચૂંટણી 3 જુલાઈ સુધી મોકુફ રખાવી દીધી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
બરોડા ડેરીના પૂર્વ ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે ચૂંટણી યોજાઇ હોત તો હું પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવવાનો હતો. ચૂંટણી અધિકારીએ જ તા.26 જૂનના રોજ બપોરે 12 વાગ્યે ચૂંટણી એજન્ડા આપ્યો હતો. પરંતુ, તેઓ હાઈકોર્ટમાં કામ માટે રોકાયેલા હોવાથી બપોરે 3 વાગ્યાનો ટાઇમ આપ્યો હતો. આથી અમે બપોરે 3 વાગ્યા સુધી રોકાયા હતા. પરંતુ, બપોરે 3 વાગ્યે તેઓનો પુનઃ લેખિત મેસેજ આવ્યો હતો કે, અનિવાર્ય સંજોગોના કારણે આવી શકું તેમ નથી. આથી તા.3-7-023ના રોજ ચૂંટણી યોજવામાં આવશે. દરમિયાન પ્રભારી રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, હું પક્ષના આદેશ મુજબ મેન્ડેડ લઈને આવ્યો હતો. પરંતુ, ચૂંટણી અધિકારી કોઈ કારણોસર આવી ન શકતા મેન્ડેડ ખોલવાનો પ્રશ્ન રહતો ન હતો. જો ચૂંટણી અધિકારી આવ્યા હોત તો ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હોત. બરોડા ડેરીની ચૂંટણીને અને સરકારને કોઈ લેવાદેવા નથી. ચૂંટણી અધિકારી આવી શક્યા ન હોવાથી ચૂંટણી હવે ચૂંટણી તા.3જી જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે.
બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા)એ કહ્યું હતું કે, સોમવારે ચૂંટણી અધિકારીની હાઈકોર્ટમાં તારીખ હોવાથી તેઓ સમય ફાળવી ન શકતા આવી શક્યા નથી. જેના કારણે સોમવારની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.