
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઇમામ સાહેબ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. તમામ આતંકીઓ એક 3 માળની બિલ્ડીંગમાં છુપાયેલા છે, જ્યાંથી તેઓ સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યા છે. એનકાઉન્ટર હજુ ચાલુ છે. સુરક્ષાદળોને ગુપ્ત જાણકારી મળી હતી કે આ ગામમાં કેટલાક આતંકીઓ હાજર છે. ઇનપુટ પ્રમાણે, એક આતંકી હજુ છુપાયેલો છે જેને ટ્રેક કરી શકાયો નથી.

બે આતંકીઓની ઓળખ લતીફ ટાઇગર અને તારિક મૌલવી તરીકે થઈ છે. ત્રીજા આતંકીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દક્ષિણ કાશ્મીરમાં રેલવે સેવાઓને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી છે.
ગુરૂવારે મોડી રાતે જ સુરક્ષાદળોએ ગામને ઘેરી લીધું હતું. જે જગ્યાએ આતંકીઓ છુપાયેલા છે ત્યાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું. આતંકીઓ પણ જવાબી ફાયરિંગ શરૂ કરી દીધું. પહેલા સુરક્ષાદળોને આતંકીઓની સંખ્યા વિશે બરાબર જાણકારી ન હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 25 એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા કસ્બામાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. સેનાની 3 આરઆર અને એસઓજીની સંયુક્ત ટીમે બગંદર મહોલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમને આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ મળ્યા હતા.
આ દરમિયાન જ્યારે સુરક્ષાદળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ જગ્યાએ શોધ શરૂ કરી તો આતંકીઓએ અંધાધૂંધ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી. આ એન્કાઉન્ટરમાં બિજબેહરાના સફદર જમીન અને અનંતનાગના બુરહાનને ઠાર મારવામાં આવ્યો હતો. બંને હિજબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવતા હતા.