આંધ્ર પ્રદેશની રાજધાની પરના સસ્પેન્સનો અંત: અમરાવતી જ રહેશે પાટનગર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
- કેન્દ્ર સરકારનું ગેઝેટ નોટિફિકેશન બહાર પડાયું: ‘આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2026’ અમલી, ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હી, 7 એપ્રિલ 2024: આંધ્ર પ્રદેશની રાજધાનીને લઈને વર્ષોથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય મુજબ હવે ‘અમરાવતી’ જ આંધ્ર પ્રદેશની સત્તાવાર રાજધાની રહેશે. આ અંગે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન (જાહેરનામું) પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. સંસદ દ્વારા પસાર કરાયેલા ‘આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2026’ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
નવા કાયદા મુજબ, વર્ષ 2014 ના મૂળ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારો 2 જૂન 2024 ની પાછલી અસરથી અમલી માનવામાં આવશે. અગાઉના કાયદામાં માત્ર ‘નવી રાજધાની હશે’ તેવો ઉલ્લેખ હતો, પરંતુ હવે કાયદાની કલમ 5 માં સુધારો કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે,‘અમરાવતી જ નવી રાજધાની હશે.’આ સ્પષ્ટતા સાથે હવે રાજધાની મુદ્દે કોઈ પણ કાયદાકીય કે વહીવટી દ્વિધા બાકી રહી નથી. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી. તેમણે ટૂંકા અને મક્કમ શબ્દોમાં લખ્યું કે, “આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતી છે.” રાજ્ય સરકાર આ નિર્ણયને આંધ્ર પ્રદેશના વિકાસ માટે માઈલસ્ટોન માની રહી છે.
નવા કાયદામાં એક વિશેષ વ્યાખ્યા પણ ઉમેરવામાં આવી છે. જે મુજબ, ‘અમરાવતી’ શબ્દમાં તે તમામ વિસ્તારોનો સમાવેશ થશે જેમને ‘આંધ્ર પ્રદેશ કેપિટલ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2014’ હેઠળ રાજધાની ક્ષેત્ર તરીકે અધિસૂચિત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યમાં વહીવટી સ્થિરતા આવશે અને અમરાવતીમાં અટકેલા વિકાસના કામોને નવી ગતિ મળશે. રોકાણકારો અને જનતામાં પણ આ સ્પષ્ટતાને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


