
અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. રોજના ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયે 184 કેસ નોંધાયા હતા.
એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં ફેબ્રુઆરી મહિનામાં 18 દિવસમાં ઝાડા ઊલટીના 312 કેસ, જ્યારે ટાઇફોઇડના 150 અને કમળાના 79 જેટલાં કેસો નોંધાયા હતા. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના 24 અને મેલેરિયાના માત્ર 06 કેસો નોંધાયા હતા. જે વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે, ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન 2,046 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 39 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા.
શહેરમાં હાલ ગરમી-ઠંડી મિશ્રિત ઋતુને કારણે વાયરલ બિમારીને કેસમાં પણ વધારો થયો છે. હાલ લગ્ન ગાળાની સીઝન પણ ચાલી રહી છે ત્યારે જમણવારમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓના કારણે પણ લોકો બીમાર પડી રહ્યાં છે. ખાવા પીવામાં ભેળસેળ અથવા વાસી ખોરાકના લીધે પણ ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. જેને લઇ હવે ફૂડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે.