Homeગુજરાતીદેશ-વિદેશએસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચન્દ્રા મુશ્કેલીમાં: 980 કરોડની લોન કૌભાંડ મામલે CBI...

એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચન્દ્રા મુશ્કેલીમાં: 980 કરોડની લોન કૌભાંડ મામલે CBI દ્વારા ગુનો દાખલ

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2026: એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચન્દ્રાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા સુભાષ ચન્દ્રા અને અન્ય કેટલાક લોકો સામે 980 કરોડ રૂપિયાની બેંક લોન કૌભાંડ અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની ફરિયાદના આધારે સીબીઆઈએ ગુનાહિત કાવતરુ, વિશ્વાસઘાત અને ગુનાહિત ગેરવર્તણૂકની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ મામલે એવો ગંભીર આરોપ છે કે ચન્દ્રાએ લોન મેળવવા માટે પોતાની નેટવર્થ અનેકગણી વધારીને રજૂ કરી હતી.

ફરિયાદ મુજબ, LICHFL દ્વારા બે અલગ-અલગ લોન સગવડ હેઠળ કુલ 980 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પ્રથમ લોન 500 કરોડ રૂપિયાની હતી, જે વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડને બિઝનેસ વિસ્તારવા માટે આપવામાં આવી હતી, જેમાં ‘પાન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ’ કો-બોર્રોઅર હતી. આ લોન માટે સુભાષ ચન્દ્રાએ 28 માર્ચ 2018 ના રોજ પોતાની પર્સનલ ગેરંટી આપી હતી. જ્યારે બીજી લોન 480 કરોડ રૂપિયાની હતી, જે ડિજિટલ સબ્સ્ક્રાઇબર મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસિસને ભાડાની આવકના આધારે આપવામાં આવી હતી, જેમાં ‘સ્પિરિટ ઇન્ફ્રા પાવર મલ્ટી વેન્ચર્સ’ કો-બોર્રોઅર હતી.

LICHFL નો દાવો છે કે લોન પાસ કરાવવામાં સુભાષ ચન્દ્રા દ્વારા રજૂ કરવામાં આવેલા નેટવર્થ સર્ટિફિકેટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. 500 કરોડની લોન માટે ‘DIM & Co.’ નામની ફર્મે 28 માર્ચ 2018ના રોજ એક સર્ટિફિકેટ જારી કર્યું હતું, જેમાં સુભાષ ચન્દ્રાની નેટવર્થ આશરે 59113 કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી. બીજી તરફ, 480 કરોડની લોન વખતે ‘MPJ & Co.’ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે 6 જુલાઈ 2018ના રોજ અન્ય એક સર્ટિફિકેટ રજૂ કર્યું, જેમાં તેમની નેટવર્થ 40562 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. આ બંને મામલામાં ચન્દ્રાએ ખુદ ગેરંટી આપી હતી.

  • ડિફોલ્ટ થયા બાદ બહાર આવ્યું અસલી સત્ય

જ્યારે આ બંને લોન અકાઉન્ટ ડિફોલ્ટ થયા, ત્યારે મામલો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ ગયો. આ નાદારી નિવારણ પ્રક્રિયા દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો. ફરિયાદ મુજબ, સુભાષ ચન્દ્રાએ પાછળથી કાનૂની કાર્યવાહી દરમિયાન પોતાની તે નેટવર્થ સ્વીકારવાનો જ ઇનકાર કરી દીધો જે લોન લેતી વખતે LICHFL ને જણાવવામાં આવી હતી.

સીબીઆઈને મળેલી ફરિયાદનો સૌથી ચોંકાવનારો પાસો નેટવર્થ વચ્ચેનો મોટો તફાવત છે. સુભાષ ચન્દ્રાએ 2024માં પોતાની કુલ નેટવર્થ માત્ર 31.79 કરોડ રૂપિયા જ દર્શાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે 2017-18 દરમિયાન પણ તેમની નેટવર્થ 40 હજાર કરોડ રૂપિયાથી વધુ ક્યારેય નહોતી. હવે સીબીઆઈ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. તપાસ એજન્સી એ વાતની પણ તપાસ કરશે કે ભારે ભરકમ લોન મેળવવા માટે દસ્તાવેજોમાં કયા પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી હતી અને આ સમગ્ર ષડયંત્રમાં કોણ-કોણ સામેલ હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular