
અમદાવાદઃ કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં ઘટાડો થયો છે, પણ ગુજરાતમાં જીએસટી જીએસટી કલેકશનમાં ગત વર્ષ કરતાં રૂ. 6 હજાર કરોડનો વધારો થયો છે. ગત વર્ષે જાન્યુ., ફેબ્રુ., માર્ચ, એપ્રિલ અને મે માસનું જીએસટી કલેકશન રૂ. 11,191 કરોડ થઇ હતી. 2021માં જાન્યુ.થી મે માસ દરમિયાન રૂ. 17,357 કરોડ આવક થઇ હતી. જેમાં સૌથી વધારે આવક એપ્રિલ માસમાં રૂ. 4272 કરોડની થઇ છે. જીએસટી લાગુ થયા બાદ પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન થયું છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે અર્થતંત્રનું સ્વાસ્થ્ય સારું રહ્યું. જીએસટી કલેક્શન તેનો સંકેત આપે છે. મેમાં સતત આઠમાં મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા(1,02,709 કરોડ)થી વધારે રહ્યું. જોકે તે ચાલુ વર્ષના એપ્રિલના 1.41 લાખ કરોડ રૂપિયાના કલેક્શનની તુલનાએ આશરે 27% ઓછું રહ્યું. પણ મે 2020ની તુલનાએ તે 65% વધુ છે. તેનું સૌથી મોટું કારણ નેશનલ લૉકડાઉન ન લગાવવું રહ્યું. જ્યારે ગુજરાતમાં સ્ટેટ જીએસટીના આંકડા પણ સારાં રહ્યાં છે. જાન્યુઆરીથી મેના 5 મહિનામાં ગુજરાત સ્ટેટ જીએસટીને 17,357 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે 2020ના આ મહિનાઓની તુલનાએ 6 હજાર 166 કરોડ વધુ છે. એપ્રિલમાં જ્યારે કોરોના તેની ચરમસીમાએ હતું તે દરમિયાન 4 હજાર કરોડનું કલેક્શન થયું જે રેકોર્ડબ્રેક હતું. સ્ટેટ જીએસટી અધિકારીઓના માનવા મુજબ તેના ત્રણ મુખ્ય કારણો રહ્યાં છે. પ્રથમ- લૉકડાઉન લાગુ ન કરવું. બીજું – આયાત બંધ થવા છતાં લોકલ ડિમાન્ડ વધી અને ત્રીજું – કેટલાક પોલિસી નિર્ણય કારણભૂત છે.
સ્ટેટ જીએસટીના સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના પ્રયાસોના કારણે ટેકસની રકમ રૂ. 4 હજાર કરોડને પાર થઇ તેની પાછળ સરકારની નવી ઔદ્યોગિક પોલિસી કામ કરી ગઇ છે. આ ઉપરાંત કર્મચારીઓની અથાગ મહેનતના કારણે જીએસટી કરચોરી પકડીને રાજ્યની તિજોરીમાં જમા કરાવી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને કમ્પલાઇન્સ કરાવવામાં સફળતા મળી છે. જેના કારણે રાજ્યમાં 90 ટકા રિટર્ન ફાઇલ થવા લાગ્યા છે. આ ઉપરાંત કરચોરી કરતા લોકો સામે પગલાં લેવામાં આવ્યાં અને તેમની પાસેથી ટેકસની રકમ દંડ અને વ્યાજ સાથે વસૂલવામાં આવી છે. રાજ્યમાં જીએસટી કલેકશન ગત વર્ષ કરતાં રૂ. 6 હજાર કરોડનો વધારો થયો છે. ગત વર્ષે જાન્યુ., ફેબ્રુ., માર્ચ, એપ્રિલ અને મે માસનું જીએસટી કલેકશન રૂ. 11,191 કરોડ થઇ હતી. 2021માં જાન્યુ.થી મે માસ દરમિયાન રૂ. 17,357 કરોડ આવક થઇ હતી. જેમાં સૌથી વધારે આવક એપ્રિલ માસમાં રૂ. 4272 કરોડની થઇ છે. જીએસટી લાગુ થયા બાદ પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન થયું છે.