
નીટ-યુજી પરીક્ષામાં સામાન્ય બેદરકારીને પણ નહીં ચલાવી લેવાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે જો NEET-UG 2024ની પરીક્ષાના આયોજનમાં કોઈ પણ પ્રકારની ‘0.001 ટકા બેદરકારી’ હોય તો પણ તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી હાજર રહેલા વકીલોને કહ્યું કે, “જો કોઈની તરફથી 0.001 ટકા પણ બેદરકારી હોય તો તેની સંપૂર્ણ રીતે નિપટાવવો જોઈએ. બેન્ચ 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માર્ક્સ અને અન્ય ફરિયાદો સંબંધિત બે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ ખાસ કરીને આ પરીક્ષાઓની તૈયારી કરતી વખતે કેટલી મહેનત કરે છે.”
તેમણે કહ્યું, “કલ્પના કરો કે જો કોઈ વ્યક્તિ જેણે સિસ્ટમને છેતર્યા તે ડૉક્ટર બને. તે સમાજ માટે કેટલું ખતરનાક છે.” બેન્ચે NTAના વકીલોને કહ્યું, ”પરીક્ષા આયોજિત કરવા માટે જવાબદાર એજન્સીનું પ્રતિનિધિત્વ કરીને તમારે મક્કમ રહેવું જોઈએ. જો કોઈ ભૂલ છે, તો હા તે ભૂલ છે અને અમે આ પગલાં લેવા જઈ રહ્યા છીએ. ઓછામાં ઓછું આ તમારા કામમાં આત્મવિશ્વાસ જગાડશે. સત્તાવાળાઓ દ્વારા સમયસર પગલાં લેવા પર ભાર મૂકતા, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ અરજીઓ અન્ય પડતર અરજીઓ સાથે 8 જુલાઈના રોજ સાંભળવામાં આવશે. આમાં તે અરજીઓનો પણ સમાવેશ થાય છે જેમાં પરીક્ષા નવેસરથી આયોજિત કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે NTA અને કેન્દ્ર બે અઠવાડિયામાં આ નવી અરજીઓ પર તેમના જવાબો દાખલ કરશે.