
ગાંધીનગરઃ શહેરના મેયર તરીકે મીરાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નટવર ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં પદાધિકારીઓની મુદ પૂરી થયા બાદ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતાનો અમલ શરૂ થતાં સામાન્ય સભા મળી શકી નહતી. તેના લીધે પદાધિકારીઓની નિમણૂંકો ઘોંચમાં પડી હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થતાં જ મ્યુનિ.ની સામાન્ય સભા આજે મંગળવારે બોલાવવામાં આવી હતી. ભાજપે આપેલા મેન્ડેટ મુજબ નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકની પસંદગીના મામલે અટકળો ચાલી રહી હતી. તેનો આજે અંત આવ્યો છે. સોમવારે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગૂંચવાતા સસ્પેન્સ યથાવત રહ્યું હતું. ત્યારે આજે મંગળવારે મ્યુનિ.ની મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકના કોર્પોરેટર નટવરજી મથુરજી ઠાકોરની સત્તાવાર નિમણુંક કરી દેવાઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરા પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વે સર્વ સંમત નામ નક્કી કરવા માટે શાસક પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. કાઉન્સિલરો, અગ્રણી કાર્યકરો અને ધારાસભ્યો સાથે પ્રદેશકક્ષાએ ભાજપના નેતાઓએ સંકલન બેઠકો રાખી હતી અને સેન્સ લેવા પ્રયાસ કર્યો હતો. સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ભાજપના સભ્યો ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વખતે નેતાઓએ ખુલીને પોતાના અભિપ્રાય આપવા માટે સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. જેનાં કારણે ઉત્તર-દક્ષિણનાં બે જુથોની વર્ચસ્વની લડાઈમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકનું કોકડું ગૂંચવાયુ હતું. આખરે નવા હોદેદારોની નિમણૂંકનો મુદ્દો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. અને ભાજપે મેન્ડટ આપીને મેયર, ડેપ્યુટી મેયરની નિયક્તિનો મામલો ઉકેલ્યો હતો.