1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઈવેના સિક્સલાઈનનું કાર્ય ક્યારે પુરૂ થશે તે સત્તાધિશો પણ કહી શકતા નથી

અમદાવાદ-રાજકોટ હાઈવેના સિક્સલાઈનનું કાર્ય ક્યારે પુરૂ થશે તે સત્તાધિશો પણ કહી શકતા નથી

0

અમદાવાદઃ ગુજરાતના  24 કલાક ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સિક્સલાઈન કરવાનો પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો છે. જેનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાવળા પાસે તેમજ ચાંગોદર પાસે ઓવરબ્રિજનું કામ વર્ષોથી ચાલતું હોવાથી સવારથી મોડી રાત સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે પર ઓવરબ્રિજ તેમજ સિક્સલેન હાઈવે બનાવવાનું કામ ક્યારે પૂર્ણ થશે તે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ કહી શકતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ વચ્ચેનો મહત્વાકાંક્ષી સીકસ-લેન પ્રોજેકટ નિર્ધારીત કરતાં ત્રણ વર્ષ મોડો થયો છે અને તે કયારે પૂર્ણ થશે તેની કોઈ સમયમર્યાદા ન હોવાનું ચિત્ર છે.વાહન ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળથી ચાલી રહ્યો છે. તેમનાં શાસન કાળમાં જ પૂર્ણ થવાનો હતો. પરંતુ હજુ સુધી તેવા કોઈ એંધાણ નથી. પ્રોજેકટ નિયત સમય મર્યાદા કરતા ત્રણ વર્ષ મોડો થઈ જ ચુકયો છે. હાઈવે પર ઠેકઠેકાણે ડાયવર્ઝન તથા બ્લોકેજને કારણે મુસાફરી કરતા વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. રાજય સરકારના માર્ગ મકાન મંત્રાલયનાં હાઈવે વિભાગ દ્વારા અપાતી નોટીસોનો પણ કોન્ટ્રાકટર કોઈ જવાબ આપતા નથી. આરટીઆઈ દ્વારા ઓથોરિટી પાસેથી વિગતો માંગવામાં આવતા એમ કહેવાયું હતું કે હાઈવેના ચાર વિભાગોનાં કામના કોન્ટ્રાકટ ધરાવતા બે કોન્ટ્રાકટર ડીફોલ્ટ થયા છે અને માત્ર 40-50 ટકા કામ જ પૂર્ણ થઈ શકયુ છે. આ સિકસ-લેન હાઈવે પ્રોજેકટ જાન્યુઆરી 2020 માં પૂર્ણ કરવાનો હતો. સાયલા-બામણબોર વિભાગનો કોન્ટ્રાકટને હાઈવે વિભાગે 21 ડિસેમ્બર 2022 ના રોજ નોટીસ ફટકારી હતી. પત્ર વ્યવહાર મુજબ કોન્ટ્રાકટરની નબળી આર્થિક હાલતને લક્ષ્યમાં લેવામાં આવી હતી અને તેના આધારે પેટા-કોન્ટ્રાકટરને છુટ આપવા સાથે કામનું પેમેન્ટ સીધુ પેટા કોન્ટ્રાકટરને આપવા મંજુરી આપવામાં આવી હતી. પ્રોજેકટ પાટે ચડાવવા આ નિર્ણય લેવાયો હતો. પરંતુ દ્વિપક્ષી કરાર કરવામાં બીનજરૂરી ત્રણ મહિના વેડફી નાખવામાં આવ્યા હતા અને છેવટે ઓકટોબર 2022 માં તે શકય બન્યુ હતું. હાઈવે વિભાગનાં એન્જીનીયરે 24 નવેમ્બર 2022 માં એવુ પણ નોંધ્યુ હતું કે કોન્ટ્રાકટર અથવા પેટા કોન્ટ્રાકટર ઓથોરીટીની મંજુરી વિના જ સીમેન્ટ, સ્ટીલ સહિતની સામગ્રી તથા સાધનો પાછા લઈ ગયા છે. કામદારોને પણ ખસેડી લીધા હતા. બગોદરા-લીમડી વિભાગનાં હાઈવેનું કામ પણ આ જ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. જયારે રાજકોટ-બામણબોર વિભાગનું કામ અન્ય કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું છે.

કન્સલ્ટન્ટ દ્વારા એવુ કહેવાયુ હતું કે કોન્ટ્રાકટ પ્રોજેકટ કરારનું પાલન કરવાનો ઈરાદો ધરાવતો ન હોવાનું જણાય છે.અનેક તક અને ચેતવણી આપી હોવા છતાં અસર નથી. લીમડી-સાયલા વિભાગનું કામ પણ આજ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. માહિતી અધિકાર કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે આરટીઆઈ હેઠળ બે અરજી કરવામાં આવી હતી. પ્રોજેકટની સમય મર્યાદા પૂર્ણ થયા પછી જ સરકારી વિભાગોએ નોટીસ-ચેતવણી આપ્યા હતા. પ્રોજેકટ માટે 730 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ કોઈ સુપરવિઝન થયુ ન હતું. હવે આ કામ ક્યારે પૂર્ણ થશે તે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ કહી શકતા નથી.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code