1. Home
  2. ગુજરાતી
  3. ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો
ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો

ભાવનગર જિલ્લાને બાદ કરતા 81 જળાશયોમાં સરેરાશ માત્ર 17.97 ટકા પાણીનો જથ્થો

0
Social Share

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓના જળાશયોમાં પુરતા નીર આવ્યા નથી. સારા વરસાદના અભાવે આવનારા દિવસોમાં પાણીનું સંકટ ઘેરૂ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ હસ્તકના સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 81 જળાશયોમાં આજની સ્થિતિએ સરેરાશ માત્ર 17.97 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું છે. જેમાં સૌથી વધુ 37.80 ટકા પોરબંદર જિલ્લામાં અને સૌથી ઓછું અમરેલી જિલ્લામાં 0.32 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે રાજકોટ જિલ્લાના 25 જળાશય સરેરાશ 19.90 ટકા ભરેલા છે. જેમાં 13 ડેમમાં તો 20 ટકાથી પણ ઓછું પાણી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના જળાશયોનાં તળિયા નજીકના દિવસોમાંજ ઝાટક થવામાં છે. ધોધમાર વરસાદ ન પડવાથી હજુ નદીઓમાં  પૂર આવ્યા નથી અને અષાઢ મહિનો અડધો વીતિ ગયો હોવા છતાં સારો વરસાદ પડતો નથી. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે જુન મહિનામાં મેઘરાજાનું આગમન થયું હતું. પરંતુ પછી મેઘરાજા રિસાતા જળાશયોમાં પુરતા પ્રમાણમાં નવા નીરની કોઈ આવક થઈ નથી.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો મુખ્યત્વે ભાદર, આજી અને ન્યારી ડેમમાં 20થી 30 ટકા પાણી છે. જ્યારે જિલ્લાના 25 જળાશયોમાં સરેરાશ 19.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં સૌથી વધુ આજી-2માં 88.93 ટકા અને વેણુ-2માં 47.54 ટકા પાણી છે. બાકીના તમામ જળાશયોમાં 40 ટકાથી ઓછો જથ્થો ઉપલબ્ધ છે. તેમાંય મોજ, ફોફળ, સોડવદર, સુરવો, ડોંડી, ગોંડલી, વાછપરી, મોતીસર, ફાડદંગબેટી, છાપરવાડી 1 તથા 2, ઈશ્વરીયા અને કરમાળ એમ 13 ડેમમાં 20 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
મોરબી જિલ્લાના 10 જળાશયો અત્યારે સરેરાશ 25.41 ટકા ભરેલા છે. જેમાં મુખ્યત્વે મચ્છુ-1 ડેમમાં 14.96 ટકા જ પાણી છે. જ્યારે ડેમી-1, 2 તથા 3માં 20 ટકાથી ઓછું તો બંગાવડી ડેમ તળીયા ઝાટક છે. જો કે, મચ્છુ-2, ધોડાધ્રોઈ, બ્રાહ્મણી, બ્રાહ્મણી-2 તથા મચ્છુ-3માં 30થી 85 ટકા સુધી પાણી ભરેલું છે.
જામનગર જિલ્લાના 21 ડેમમાં સરેરાશ 13.29 ટકા જળ સ્ત્રોત ઉપલબ્ધ છે. જેમાં ફોફળ-2 સહિત 8 ડેમમાં 20 ટકાથી ઓછું પાણી છે તો સસોઈમાં 22.49 ટકા, ફલઝર અને પન્નામાં 41 ટકા જ્યારે અન્ય ડેમમાં પણ 30થી 60 ટકા પાણી ભરેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાની અને સીંધણી ડેમ એકદમ સાફ છે તો ગઢકી, શેઢા ભાડથરી, વેરાડી-1 તથા મીણસાર(વાનાવડ) ડેમ તળિયાઝાટક થવાના આરે છે. આ ઉપરાંત ઘી, વર્તુ-2, સોનમતી અને વેરાડી-1 ડેમમાં 25 ટકા જેટલું પાણી છે. જો કે, વર્તુ-1માં 69.87 ટકા અને કાબરકા ડેમમાં 100 ટકા પાણી ઉપલબ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા ભોગાવો-1 17.36 ટકા તો ભોગાવો-2 69.18 ટકા ભરેલા છે. જ્યારે જિલ્લાના 11 ડેમમાં સરેરાશ 16.64 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાં મોરસલ, સબુરી તથા નિંભણી ડેમ સંપૂર્ણ ખાલી છે તો લીંબડીનો ભોગાવો-1, ફલકુ તથા ધારી ડેમ ખાલી થવામાં છે. ઉપરાંત વઢવાણનો ભોગાવો-2, વાંસલ તથા ત્રિવેણી ઠાંગા ડેમ હજુ 25થી 70 ટકા ભરેલા છે. પોરબંદર જિલ્લાનો એકમાત્ર ડેમ સોરઠીમાં 37.80 ટકા પાણી છે જ્યારે અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં હવે 0.32 ટકા જ પાણી હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા જાહેર કરાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code