1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તળાજાના ગોપનાથથી મહુવા સુધી દરિયાકાંઠાના છીંછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો મુકામ
તળાજાના ગોપનાથથી મહુવા સુધી દરિયાકાંઠાના છીંછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો મુકામ

તળાજાના ગોપનાથથી મહુવા સુધી દરિયાકાંઠાના છીંછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો મુકામ

0
Social Share

ભાવનગરઃ ગાહિલવાડ પંથકની મહેમાનગતિ મહાણવા માટે હવે વિદેશથી પણ અનેક પક્ષીઓ મુકામ કરી રહ્યા છે.  શિયાળાનું આગમન થતા જ તળાજાનાં સિધ્ધિનાથ અને ગોપનાથ મહાદેવ ધામથી મહુવાનાં નિકોલ સુધીનાં દરિયાકિનારાનાં શાંત અને પ્રદુષણ રહિત વિસ્તારોમાં છેલ્લા અઠવાડીયાથી શિયાળુ પરોણાગત માણવા પરદેશી પંખીઓનું આગમન શરૂ થઇ ગયું છે. તળાજાનાં કંઠાળ ક્ષેત્રો મીઠાપાણીનાં તળાવડાઓ,નાના મોટા જળાશયો, ઘાંસિયા મેદાનો, ફોરેસ્ટની કુંઢડા નજીકની વીડી તેમજ શાંત ડુંગરમાળમાં દર વર્ષે શિયાળામાં શરદ પ્રવાસી સુરખાબ (ફલેમીંગો), કુંજ, (કોમનક્રેન), પેણ (પેલીકન), સહિત તમામ પ્રકારનાં યાયાવર પંખીઓનો અનોખો સંગમ સર્જાય છે.

પક્ષીવિદોના કહેવા મુજબ પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધ તથા દક્ષીણ ગોળાર્ધમાં તેમજ પૂર્વ યુરોપ,ઓસ્ટ્રેલીયા, સાઇબિરીયા, મધ્ય એશિયા વગેરે ખંડોમાં શિયાળામાં સર્જાતા કાતિલ હિમ પ્રપાતથી પ્રભાવિત સેંકડો પંખીઓની પ્રજાતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હજારો કિ.મી ની હવાઇ ઉડાન ભરીને આપણા પ્રદેશમાં નિયમિત રીતે હુંફાળો શિયાળો ગાળવા ઉતરી પડે છે. જેમાં ખંભાતનાં અખાતમાં ભાવનગર જિલ્લા નાં 152 કિ.મીદરિયા કાંઠાઓમાં પુનમ અને અમાસની મોટી ભરતીથી સર્જાયેલા તળાવડાઓ,મીઠાના અગરો તેમજ કંઠાળ વિસ્તારની સીમમાં મીઠા પાણીનાં તળાવોનાં પ્રદુષણ રહિત વાતાવરણમાં આ યાયાવર પંખીડાઓ કિલકિલાટ સર્જી જળ ક્ષેત્રોને ગજવી મુકે છે, જેને માણવામાં અદભુત ખુશી અનુભવાઇ છે.

તળાજાના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોહિલવાડનાં તમામ જળપ્લાવિત ક્ષેત્રોમાં આવતા શિયાળુ મહેમાન પંખીઓને પુરતો ખોરાક, શાંત અને નિર્ભય વાતાવરણ મળી રહેતું હોવાથી વિદેશી પરોણા પંખીઓ અહીં બે થી ત્રણ માસની સ્થિરતા કરી મહેમાન ગતિ માણે છે. આખા શિયાળાની મહેમાનગતિ માણ્યા બાદ પક્ષીઓ પરત ફરે છે. નવેમ્બર, ડિસેમ્બર થી ફેબ્રુઆરી માર્ચ દરમિયાન તળાજા તાલુકા સહિત ગોહિલવાડની દરિયાઇ પટ્ટી અને મીઠા પાણીના જળાશયો, ઘાંસિયા મેદાનો અને પાણી નજીકની પર્વત માળાઓના શાંત વિસ્તારમાં વધતા ઓછા વરસાદ કે અન્ય કારણે વિપરીત વાતાવરણ હોય તો કેટલીક યાયાવર પંખીની પ્રજાતી અન્યત્ર ફંટાય છે પરંતુ સામાન્ય સંજોગોમાં અહી નિયમિત આવતા સુરખાબ, કુંજ, પેણ, તમામ પ્રકારની બતક, ચમચા, બગલા, કાકણ, કલકલીયો (કિંગફીશર), ગયણો બાટણો, દુધરાજ, હેરીયર, ગડેરો સહીત 30 થી 40 પ્રકારનાં પંખીઓ આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code