
હિંમતનગરઃ જિલ્લામાં ખરીફ સીઝન પૂર્ણ થતાં હવે ખેડુતો રવિપાકના વાવેતરમાં પરોવાયા છે. આ વખતે બટેકાના પાકના વાવેતરમાં વધારો થયો છે. સારા ભાવ મળવાની આશાએ ખેડુતો બટેકાના પાકની ખેતી તરફ વળ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં બટેકાનું વાવેતર થયું છે. ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સાબરકાંઠામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઇડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર વધુ થયુ છે. અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ વાવેતર વધું કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વધ્યું છે. ગત સાલ ખેડૂતોને બટાકા ભાવ મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા. જોકે આ વર્ષે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા છે. ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડૂતોની આશા રાખી રહ્યા છે. આ સાથે, પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રિપ ઈરિગેશન દ્વારા ખેતી કરવામાં આવી રહી છે, જેથી ડ્રિપમાં જ ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતો ફાયદો થઈ શકે તેમજ રાતના ઉજાગરા પણ થાય નહીં.
સાબરકાંઠામાં તખતગઢ ગામે સૌથી બટાકાના પાકનું વધુ વાવેતર થયું છે અને 80 ટકાથી વધુ વાવેતર ડ્રિપ દ્વારા કરવામાં આવ્યું છે. ખેડુતોના કહેવા મુજબ એક વીઘા વાવેતર પાછળ 35 થી 40 હજાર જેટલો ખર્ચ થાય છે અને એમાંથી 350 થી 400 મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે. આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતોને સારા મળતા ખુશી જોવા મળી શકે છે. એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યું છે. ગત વર્ષે બટાકાના શરૂઆતમાં સારા ભાવ મળ્યા હતા અને બાદમાં ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ આ વર્ષે ખેડુતોના બટાકા સારા ભાવે વેચાય તેવી ખેડૂતોમાં આશા જાગી છે. જોકે, ખાતર બિયારણ પણ મોંઘુ હોવા છતાં ખેડૂતોને ભાવમાં વધારો મળશે તો ખેડૂતોને પોસાય તેમ છે. (file photo)