
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક-ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરેટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટરાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટરાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ – સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે. રાજયની A અને B વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા ‘ખેડૂત સહાય કેન્દ્ર’ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નકકી કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ તેમણે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ 5 થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ 3402 છે જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.