
‘આંખે દેખાતું ઓછું થયું ત્યારથી બા એ સામયિક બાંધતા અને પાળતા સમયે વહુ બેટાને સાદ દેવો પડે અને વહુજી પણ પ્રેમથી જવાબ આપે’………ખૂબ જ રસપ્રદ સત્યઘટના,અચૂંક વાંચો
વાર્તા નહી પરંતુ સત્ય ઘટના છે….આ સત્ય ઘટના લખવાનું ક્રેડિટ જાય છે લીંબડી અજરામર સંપ્રદાયના “આચાર્ય ભગવંત ડો.પ્રકાશચંદ્રજી સ્વામીજી .”ને..અચૂક એક વખત વાંચજો…આ સત્યઘટના…જેનું નામ છે ‘માતૃવંદના’
વહુબેટા, જુઓ તો કેટલા વાગ્યા, મારી સામયિક આવી ગઈ ?
હા, બા સામયિક પાળવાનો સમય થઈ ગયો હો, તમે શાતાપૂર્વક સામયિક પાળી લો.
ઘરમાં વૃધ્ધ બા રોજ શક્ય એટલો વધુ સમય ધર્મક્રિયામાં ગાળે અને ઘરના રોજિંદા કાર્યમાં જરાય માથું ન મારે. સામાયિક, પ્રતિક્રમણ, સંવર, જાપ, બા ને કરવી ધર્મક્રીયા અમાપ.
દિકરો ધંધો સંભાળે અને પાંચમાં પૂછાતો એવો શેઠ કે એની નજર માત્રથી બજાર ઉપર નીચે થઈ જાય. વહુ ઘર સંભાળે અને બા નું પણ ઉચિત ધ્યાન રાખે, પણ જ્યારથી બા ને આંખે મોતીઓ આવ્યો અને આંખે દેખાતું ઓછું થયું ત્યારથી બા એ સામયિક બાંધતા અને પાળતા સમયે વહુ બેટાને સાદ દેવો પડે અને વહુજી પણ પ્રેમથી જવાબ આપે. પણ મોટા ઘરનાં કાર્યમાં વ્યસ્તતાને કારણે કોઈ કોઈ વાર બા એ બે ચાર વાર સાદ દેવો પડે ત્યારે વહુ સાંભળે. બા સમજે અને કંઈ બોલે નહિ, પણ આ વાત દિકરાને ખટકે. બા એ પેટે પાટા બાંધીને અમને લાયક બનાવ્યા ને આજે એ થોડે ઘણે અંશે પણ પરવશતા અનુભવે એ કેમ ચાલે. દિકરાને લાગી આવ્યું, હું નાનો હતો અને દોડીને મા પાસે નહોતો જઈ શકતો ત્યારે મા પોતે દોડીને મારી પાસે આવી જતી. હું ચાલતા શીખ્યો ત્યારે ય મા મને કાખમાં ઉપાડી લેતી જેથી હું થાકી ન જાઉં. પોતે અડધું ખાઈને મારું પેટ પૂરું ભરાય એનો ખ્યાલ રાખતી. મને એવા સંસ્કારો આપ્યા, ભણાવ્યો ગણાવ્યો અને એવો લાયક બનાવ્યો કે આજે મારી આંખના ઇશારે આખા બજારમાં ઉથલપાથલ થઈ જાય. અને મારી મા એની પાછલી વેળાએ ધર્મ પણ પોતાની રીતે કરી ન શકે તો તો મારી માતૃભક્તિ લાજે. દિકરાને મનોમંથનમાં આવા વિચારો સતાવ્યા કરે, અને દિવસે ધંધામાં મન ન લાગે કે રાતે આંખમાં નિંદર ન આવે.
અને એક દિવસ ઉઠતા ની સાથે સવારમાં દીકરાએ નિર્ણય લઈ લીધો એવી જ એના આંખમાં અલગ જ ચમક આવી ગઈ. તુર્ત જ મુનીમજીને બોલાવ્યા અને આદેશ આપી દીધો કે આપણા ઘરની સામે જે મોટી ખુલ્લી જગ્યા છે તે આજ સાંજ સુધીમાં આપણી થઈ જવી જોઈએ. દામ જે માંગે એ આપી દો, પણ એ જમીન આજે જ ખરીદી એના કાગળિયા પર મહોર મારી દો. અને શેઠની શાખ એટલી કે સાંજ પડતાં પહેલાં જ ઘરની સામેની ખુલ્લી જગ્યા શેઠના નામે થઈ ગઈ. રાત સુધીમાં તો વિદેશના નિષ્ણાતો ને કહેણ મોકલાવી દીધા ને વાત પણ થઈ ગઈ. તુર્ત જ વિદેશના અનુભવી નિષ્ણાતો એ શેઠ ના સપના પ્રમાણે નકશાઓ તૈયાર કરી આપ્યા. અનુભવી નિષ્ણાત કારીગરો પણ આવી ગયા અને સામેની ખુલ્લી જગ્યા પર ચણતર ચાલુ થઈ ગયું.
પહેલી માર્ચ અઢારસો ઓગણોસિત્તેર ના રોજ પાયાનો પથ્થર નાખ્યો. સહુ ને અચંબો થયો કે શેઠ શું બનાવી રહ્યા છે, પણ કોઈને કંઈ સમજ કે ખબર ન પડી. સર ગિલ્બર્ટ સ્કોટ નામના ફોરેન ના આર્કિટેક્ટ ના નકશા પ્રમાણે તૈયાર થયેલ એ સમયના મુંબઈ મા સહુથી ઊંચું અને એ સમયમાં સાડા પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ ટાવરનું જ્યારે ચણતર કાર્ય પૂરું થયું, ત્યારે એને જોઈ સહુ કોઈ પોતાના મોં માં આંગળા નાખી ગયા.
ફરીથી ઘરમાં સાદ પડ્યો, વહુ બેટા જુઓ તો સમય થઈ ગયો કે નહિ. અને આ વખતે વહુજી ને બદલે દીકરાએ સામે આવી કહ્યું, બા, સમય થઈ ગયો અને હવે તો બસ તારો જ સમય છે. બા એ સામયિક પાળી ને દિકરાને પૂછ્યું, શું કહે છે બેટા, મને કંઈ સમજાયું નહિ. દિકરો કહે, બા, બારીમાંથી બહાર જુઓ, શું દેખાય છે? બા ની આંખો પહોળી થઈ ગઈ. બા કહે આવડી મોટી ઘડિયાળ! અને ત્યાં તો મોટા અવાજે ડંકા પડ્યા ટન ટન ટન ટન અને બા એ ગણી ને કહી દીધું આટલા વાગ્યા. બા ના મોઢા પર ખુશી અને ચમક આવી ગઈ.
દિકરો કહે, બા, તારે દરેક વખતે પૂછવું પડતું હતું ને કે સામયિક નો સમય આવ્યો કે નહિ, તે હવે તારે બીજા કોઈને પૂછવું નહિ પડે, બા, તારે બીજા પર આધાર રાખવો નહિ પડે. આ ડંકા વાગે એટલે સામયિક બાંધી દેવાની અને ડંકા પડે એટલે સમયનો તને ખ્યાલ આવી જશે.
બા, તને ખબર છે, આ ટાવરનું નામ તારા નામ પરથી જ રાખ્યું છે. જેથી એને જોવા આવનારા દરેક તને યાદ કરશે અને તારા આશીર્વાદ પામશે.
એ જાજરમાન ટાવર એટલે મુંબઈનું સુપ્રસિધ્ધ રાજાબાઈ ટાવર જે ઓગણીસો અઢારમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ ની યાદીમાં સ્થાન પામ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ની સામે, ભરચક ફોર્ટ વિસ્તારમાં માતૃવંદના ના શિલ્પ સમું રાજાબાઈ ટાવર. એ માતૃભકત દિકરો એટલે રાજાબાઇ મા નો દીકરો અને શેરબજાર નો રાજા, કે જેને ત્યાં ખુદ જમશેદજી ટાટા એ પણ નોકરી કરી હતી એ બીજું કોઈ નહિ પણ પ્રેમાળ દિકરો અને બાહોશ વેપારી “શ્રી પ્રેમચંદ રાયચંદ શેઠ.”
બા ની મોતિયા વાળી આંખેથી હર્ષના મોતી ટપક્યાં. દિકરાને લાખ લાખ આશીર્વાદ આપ્યા. આને કહેવાય માતૃપ્રેમ અને માતૃવંદના. મા માટે ટાવર બંધાવવાની ત્રેવડ ભલે દરેક દીકરા પાસે ન હોય, પણ મા ની સામે પાવર ન બતાવવાની સમજણ તો દરેક દીકરા દિકરીને હોવી જ જોઈએ.
ખીંટીએ ટિંગાતા ફોટા પર ફૂલોનો હાર ચડાવવાને બદલે એને જીવતેજીવત ખુશ રાખીએ એ જ સાચી માતૃભક્તિ. દરેક વ્યક્તિ શાહજહાં નથી હોતી કે પોતાની મુમતાઝ માટે તાજમહેલ બનાવી શકે, પણ પ્રેમનો શાહ બનીને આખા જહાં ની ખુશી તો જીવતેજીવત આપી જ શકે.
દરેક વ્યક્તિ મા માટે પ્રેમચંદ શેઠ બનીને રાજાબાઇ ટાવર ન બનાવી શકે તો કંઈ નહિ પણ મા ની સામે પાવર ન બતાવીને, પ્રેમ વરસાવીને મા નું જીવન ખુશીઓથી ભરી દે તો ય મા ની મમતા જીવનની તકલીફો પર રાજ કરી શકે. ચંદ ક્ષણો ની જિંદગીને પ્રેમસભર એવી વિતાવીએ કે મા પ્રત્યે નો પ્રેમ ટાવરથી ય ઊંચા આસમાન ને અડે
ક્રેડિટઃ- લીંબડી અજરામર સંપ્રદાયના “આચાર્ય ભગવંત ડો.પ્રકાશચંદ્રજી સ્વામી.”