1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય વાયુસેના અને GE એરોસ્પેસ વચ્ચે સમજૂતી: ભારતમાં જ બનશે તેજસના એન્જિન
ભારતીય વાયુસેના અને GE એરોસ્પેસ વચ્ચે સમજૂતી: ભારતમાં જ બનશે તેજસના એન્જિન

ભારતીય વાયુસેના અને GE એરોસ્પેસ વચ્ચે સમજૂતી: ભારતમાં જ બનશે તેજસના એન્જિન

0
Social Share

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. ભારતીય વાયુસેના (IAF) અને અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ વચ્ચે એક સીમાચિહ્નરૂપ સંરક્ષણ સમજૂતી થઈ છે. આ કરાર હેઠળ, સ્વદેશી લડાકુ વિમાન એચએએલ તેજસને પાવર આપતા F404-IN20 એન્જિન માટે ભારતમાં જ એક અત્યાધુનિક ડિપો સ્થાપિત કરવામાં આવશે.

આ નવી સુવિધાની ખાસિયત એ છે કે તેનું સંપૂર્ણ માલિકી હક, સંચાલન અને જાળવણી ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે. જીઈ એરોસ્પેસ આ પ્રોજેક્ટમાં ટેકનિકલ સહયોગ, તાલીમ, સપોર્ટ સ્ટાફ અને જરૂરી સ્પેરપાર્ટ્સ પૂરા પાડશે. આ સુવિધા કાર્યરત થયા પછી, એન્જિનના સમારકામ માટે વિદેશો પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે, જેનાથી સમય અને ખર્ચ બંનેની મોટી બચત થશે.

વર્તમાન સમયમાં ભારતીય વાયુસેના પાસે 40 તેજસ એમકે1 વિમાનો છે, જ્યારે 180 તેજસ એમકે1એ વિમાનોનો ઓર્ડર પહેલેથી જ આપી દેવામાં આવ્યો છે. જીઈ એરોસ્પેસના વાઇસ પ્રેસિડેન્ટ રીટા ફ્લેહર્ટીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ડેપોથી તેજસ કાફલા માટે એન્જિનની ઉપલબ્ધતા વધશે અને વાયુસેનાને સમયસર આધુનિક ટેકનોલોજી મળી રહેશે.”

ભારતમાં ડિપો સ્થાપવાથી તેજસ વિમાનોની ઓપરેશનલ ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ ઉપરાંત મેન્ટેનન્સ માટે વિદેશ મોકલવાની ઝંઝટ દૂર થતા સર્વિસિંગ ઝડપી બનશે. તેમજ સંરક્ષણ ઉત્પાદન અને જાળવણી ક્ષેત્રે ભારત વધુ સક્ષમ બનશે. આ ઉપરાંત લાંબા ગાળે આ સુવિધા તેજસ ફ્લીટની યુદ્ધ ક્ષમતાને વધુ ધારદાર બનાવશે. જીઈ એરોસ્પેસના એન્જિન અત્યારે પણ ભારતીય નૌસેનાના પી-8આઈ દેખરેખ વિમાનો, એમએચ-60આર હેલિકોપ્ટર અને વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરમાં કાર્યરત છે, જે ભારતની સંરક્ષણ પ્રણાલીમાં કંપનીની ઊંડી પકડ દર્શાવે છે.

આ પણ વાંચોઃ એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન મુદ્દે ચર્ચા થઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code